યુવકનું મુંડન કરી અને હત્યા નીપજાવવામાં આવી...

યુવકનું મુંડન કરી અને હત્યા નીપજાવવામાં આવી...

Mysamachar.in-અમરેલી:

રાજ્યમાં ગુન્હેગારો બેફામ બની રહ્યા હોય તેમ કાયદાનો તો જાણે ડર જ ના હોય તેમ લુંટ, હત્યા, મારામારી, ચોરી ના બનાવો દિનપ્રતિદિન સામાન્ય બનવા લાગ્યા છે, એવામાં સૌરાષ્ટ્રના અમરેલીમાં ગત મોડીરાત્રે મૂળ પોરબંદર પંથકમાં અને હાલમાં રાજકોટમાં રહેતા 27 વર્ષીય યુવક મયુર સાકરીયાની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે, અકળ કારણોસર હત્યારાઓએ આ યુવકનું મુંડન પણ કરી નાખ્યું હતું અને ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ હાલતમાં જુમ્મા મસ્જીદ સામે ફેંકી દીધો હતો. આ યુવકને અમરેલી સિવિલમાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

હત્યારાઓએ મૃતક યુવકના શરીર પર બેફામ આડેધડ માર માર્યો હતો. જેના કારણે આખા શરીર પર ચાંભા પડી ગયા હતાં. તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે જીવલેણ નિવડી હતી. યુવકને બેરહેમીથી માર મારવા ઉપરાંત તેના માથાના વાળ કાપી નાખી ટકો કરી દેવાયો હતો. આ યુવકને કોઇ અન્ય સ્થળે બેરહેમીથી માર મારી મસ્જીદ સામે નાખી જવાયો હતો. મૃતક મયુરના ભાઇ દક્ષીત સાકરીયાએ પોતાના ભાઇની હત્યા કરવા સબબ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ આપી હતી. મુળ પોરબંદરનો મયુર હાલમાં રાજકોટ રહેતો હતો અને તે ગઇરાત્રે અમરેલી શા માટે આવ્યો હતો તેની તેના પરિવારને પણ જાણ ન હતી.