મોટી જાહેરાત, બધા જ ખાતેદાર ખેડૂતોને સરકારની સહાયની જાહેરાત

મોટી જાહેરાત, બધા જ ખાતેદાર ખેડૂતોને સરકારની સહાયની જાહેરાત
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

ખેડૂતો પર ફરી એકવાર રાજ્ય સરકારે મદદનો હાથ લંબાવી સહાયની જાહેરાત કરી છે. આ અંગે જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજયમાં આ વર્ષે લાંબા સમય સુધી છેલ્લા દાયકાઓમાં ન થયો હોય તેવો વરસાદ થયો, જેના કારણે ઘણા વિસ્તારોમાં ખેતીને ફાયદો પણ થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન પણ થયું છે. આ અંગે રજૂઆત બાદ પ્રથમ તબક્કે 700 કરોડ અને હવે તારીખ 15 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી થયેલા કમોસમી વરસાદને ધ્યાને રાખી રાજ્ય સરકારે કુલ રૂપિયા ૩૭૯૫ કરોડના રાહત પેકેજ મજૂર કરવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા ખેતી નુકસાન અને પાક પરિસ્થિતીની સંપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં વ્યાપક ચર્ચા બાદ  એક ઇંચથી વધુ વરસાદ પડેલા રાજ્યના ૨૯ જિલ્લાના ૧૨૫ તાલુકાના અંદાજીત ૯૪૧૬ ગામના અંદાજે ૨૮ . ૬૧ લાખ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફ. ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૬૮૦૦ લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂપિયા ૨૪૮૧ કરોડની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૨૩ જિલ્લાના અંદાજે ૪૨ તાલુકા એવા છે કે જ્યાં તાલુકા મથકે ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલ ઓટોમેટીક વેધર સ્ટેશનના આંકડા મુજબ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયેલો છે. આ તાલુકાઓના અંદાજીત ૧૪૬૩ ગામના અંદાજીત ૪ . ૭૦ લાખ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફના ધોરણ મુજબ હેક્ટર દીઠ ૩૬૮૦૦ લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજીત રૂપિયા ૩૯૨ કરોડની સહાય ચૂકવાશે અને આ તાલુકાના બાકી રહેતા અંદાજિત ૧૬૭૬ ગામો કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડેલો છે તેવા અંદાજીત ૫.૯૫ લાખ ખેડુત ખાતેદારોને ખાતા દીઠ રૂ . ૪૦૦૦  લેખે અંદાજિત રૂ . ૨૩ ૮ કરોડની સહાય અપાશે.

રાજ્યના ૨૧ જિલ્લાના બાકી રહેતા ૮૧ તાલુકાના ૫૮૧૪ ગામોમાં પણ છુટા છવાયા કમોસમી વરસાદથી નુકશાન થયું છે. રાજ્ય સરકારે ઉદારનીતિ અપનાવી આ ૮૧ તાલુકાનાં અંદાજીત ૧૭ . ૧૦ લાખ ખેડુત ખાતેદારોને ખાતા દીઠ રૂ . ૪000 લેખે રૂપિયા ૬૮૪ કરોડની સહાય અપાશે. આમ રાજયના કુલ ૩૩ જિલ્લાના ૨૪૮ ગ્રામ્ય તાલુકાઓના અંદાજીત ૧૮૩૬૯ ગામોના અંદાજીત ૫૬. ૩૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂપિયા ૩૭૯૫ કરોડનું માતબર પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. અત્રે ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાત રાજયમાં રાજ્યની સ્થાપનાથી માંડી આજ સુધીમાં પ્રથમ વખત રાજ્યના બધા જ તાલુકાના બધાજ ખાતેદાર ખેડૂતોને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે. આ સહાય પેકેજમાં એસ.ડી.આર.એફ અંતર્ગત રૂપિયા ૨૧૫૪ કરોડ અને રાજ્યના બજેટમાંથી રૂપિયા ૧૬૪૧ કરોડ ચુકવાશે.