ચેતજો:દુઃખદર્દના નિવારણ માટે તાંત્રિક પાસે પહોચેલા બે લોકોએ ૧ કરોડ ગુમાવ્યા..

ચેતજો:દુઃખદર્દના નિવારણ માટે તાંત્રિક પાસે પહોચેલા બે લોકોએ ૧ કરોડ ગુમાવ્યા..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આજના આધુનિક સમયમાં પણ લોકો ઢોંગી તાંત્રિકોની માયાજાળમા ખુબ જ આસાનીથી ફસાઈ જાય છે,અને પછી પસ્તાવાનો પાર નથી રહેતો આવો જ વધુ એક કિસ્સો કલ્યાણપુરમા ઢોંગી તાંત્રિકનો સામે આવ્યો છે,જેમાં વિધિ કરવાના નામે તાંત્રિક અને તેના પુત્રએ બે લોકો પાસેથી ૧ કરોડ જેટલી રકમ પડાવી લેતા બને લોકોની સ્થિતિ કફોડી થઇ જવા પામી છે,

વિગતો એવી છે કે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને ખેતીકામ કરતાં કાનાભાઈ લખુભાઈ ભાટિયા નામના આ કેસના ફરિયાદી ને આજથી ત્રણેક વર્ષ પૂર્વે માથામાં સતત દુખાવો રહેતો હોય અને દવા થી ઠીક ના થતું હોય તેવો ને કોઈએ હનુમાનગઢમા તાંત્રિક પાસે જવાની સલાહ આપી અને તેવો ત્યાં પોતાના માથા દુખાવાના નિવારણ માટે પહોચ્યા હતા,

હનુમાનગઢ ગામે હરીશ મનુભાઈ લાંબડીયા અને તેનો પુત્ર આકાશ હરીશભાઈ લાંબડીયા આવનાર લોકો ને તેના તમામ દુઃખદર્દ દુર કરી આપવાનું વચન આપી ઢોંગી તાંત્રિક બની અને વિધિઓ ને નામે આવનાર લોકો પાસેથી પૈસા પડાવતા હતા,માથાના દુખાવાની ફરિયાદ લઈને તાંત્રિક પાસે પહોચેલ કાનાભાઈને માથાના દુખાવાની તકલીફ તો દુર થઇ જશે પણ તમારા નશીબમા ધન છે અને તમે કરોડો રૂપિયા એક જગ્યા છે ત્યાં તમારા માટે નીકળશે તેમ કહી અને તેની માયાજાળમા ફસાવી લીધા બાદ ઢોંગી તાંત્રિકે કાનાભાઈ ને ધન આપવાની લાલચે કટકે કટકે વિધિ ના બહાને ૮૦ લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી,

આવી જ રીતે અન્ય એક ફરિયાદી છગનભાઈ ને પણ તાંત્રિકે કાનાભાઈની જેમ જ લાલચો આપી અને ૧૯ લાખ એમ કુલ મળી ૯૯ લાખની રકમ પડાવી લીધી હતી,જે બાદ કાનાભાઈ અને છગનભાઈએ ધન ક્યારે મળશે તેમ પૂછતા સોનાની ખોટી ઈંટો આપી દઈ અને બને સાથે ૯૯ લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત તાંત્રિક વિધિ ને નામે કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અનેક લોકો ભોગ બન્યા હોઈ શકે..?

ઢોગી તાંત્રિક અને તેના પુત્રએ ના માત્ર કલ્યાણપુર અને તેની આજુબાજુનો વિસ્તાર પણ પોરબંદર સુધી પોતાની માયાજાળ ફેલાવી અને અનેક લોકોને આ રીતે ધનની લાલચે સોનાની નકલી ઈંટો પધરાવી દીધાનું પણ ફરિયાદીએ જણાવ્યું છે.

ઢોંગી તાંત્રિકને વાંકે જમીન વેચવાનો વારો આવ્યો..

માથાની દુખાવાની ફરિયાદ સાથે તાંત્રિક પાસે પહોચેલા કાનાભાઈ નામના ફરિયાદી તો તાંત્રિકની એવી જાળમાં ફસાયા કે તેને અત્યારસુધીમાં તાંત્રિકને ૮૦ લાખ જેટલી રકમ આપવા માટે પોતાની માલિકીની જમીનો વેચાણ કરવાની સ્થિતિ આવી હતી અને હાલ પણ તેવોની હાલત તાંત્રિક ને કારણે કફોડી બની ચુકી છે.