ઉત્તરાયણમાં દોરી રંગવાનું કામ કરી અભ્યાસ પૂર્ણ કર્યો, પહોંચ્યા વિદેશ

ઉત્તરાયણમાં દોરી રંગવાનું કામ કરી અભ્યાસ પૂર્ણ કર્યો, પહોંચ્યા વિદેશ
બિમલ અને પ્રતિક દવેની ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

દર મહિને કોઇના કોઇ તહેવાર જરૂર આવે છે, પરંતુ આ તહેવાર કોઇના માટે રોજગારી લઇને આવતો હોય છે. સામાન્ય રીતે આપણે કોઇપણ તહેવાર આવે તો તેને લગતી ખરીદી કે તૈયારી કરવામાં વ્યસ્ત બની જતાં હોઇએ છીએ, પરંતુ સમાજમાં કેટલાક એવા પણ લોકો છે, જે આ તહેવારને બીજી રીતે જુએ છે, તેઓ તહેવારને રોજગારી પૂરી પાડવાનો અવસર ગણે છે. વાત છે તહેવારમાં કામ કરીને પૈસા ભેગા કરી અભ્યાસમાં સિદ્ધિ મેળવાર બે ભાઇઓની, મૂળ અમદાવાદના અને હાલ કેનેડામાં નોકરી કરતાં બંને ભાઇઓએ જાતમહેનત અને લગનથી આગળ આવ્યા છે, જે અન્ય યુવકો માટે પ્રેરણાદાયક સાબિત થઇ શકે છે. 

વાત છે અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં રહેતા બિમલ દવે અને પ્રતિક દવેની. દિવાળી હોય કે ઉત્તરાયણ, બંને ભાઇઓ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા, પિતા ટાયરની દુકાન હતી, પરંતુ ઉત્તરાયણમાં દોરી રંગવાનું કામ કરતાં, આ કામમાં બંને ભાઇઓ પણ મદદ કરતાં. બંને ભાઇઓ અભ્યાસમાં પણ હોશિયાર હતા, આથી પિતાની હંમેશા ઇચ્છા હતી કે તેમના પુત્ર ભણગણી આગળ વધે, બંને ભાઇઓએ પણ પિતાની ઇચ્છા પુરી કરી, બિમલ અને પ્રતિકના પિતાનું કહેવું છે કે બંને દિકરા સમજણા થયા ત્યારથી તેઓએ અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો, બિમલ સીએ, સીએસ ઉપરાંત કેટની પણ તૈયારી કરતા હતા. હાલ બંને ભાઈઓ કેનેડામાં નોકરી કરી રહ્યાં છે. બિમલ દવે પોતે કેનેડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં ટ્રેઝરી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તો બિમલનો નાનો ભાઈ પ્રતિક દવે પણ કેનેડા ગવર્મેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે.