આજે છે હોળી, દર્શન કરવા જતા પૂર્વે આ પણ વાંચી લો..

આજે છે હોળી, દર્શન કરવા જતા પૂર્વે આ પણ વાંચી લો..
file image

Mysamachar.in-જામનગર:

આજે ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે હોળી....આજે સાંજે જામનગર અને દ્વારકા સહિત ગુજરાતભરમાં હોળીનું પર્વ આસ્થાપૂર્વક ઉજવાશે. આસુરીશક્તિ પર દૈવી શક્તિની જીતના ઉત્સવ તરીકે હોળીનું પર્વની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે, આજે સાંજે 6:45 થી 7:33 સુધી હોળી પ્રાગટય માટે શુભ મુહૂર્ત છે. રાત્રે 11:19 બાદ હોળાષ્ટક પૂર્ણ થશે. આવતીકાલે એટલે મંગળવારે રંગ-ઉલ્લાસનાં પર્વ ધૂળેટીની નાના બાળકો સહીત મોટેરાઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે,

હોળીની પૂજા કરવાનો અનેરો મહિમા રહેલો છે, કહેવાય છે કે ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરે છે. તો પુરુષો અને નાના બાળકો પણ હોળી ની પ્રદક્ષિણા કરે છે, હોલિકા દહન માટે લગભગ એક મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. કાંટાદાર ઝાડીઓ અથવા લાકડાઓને એકઠાં કરવામાં આવે છે, પછી હોળીના દિવસે શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે. જે બાદ જયારે આજે હોળી તૈયાર હોય ત્યારે ધાણી, ચોખા,, શ્રીફળ,કપૂર, લવિંગ, ખજૂર,અનાજ તેમજ પાણીનાં કળશ પ્રગટેલી હોળીમાં અર્પણ કરવામાં આવે છે.

હોળીનાં પાંચ કે સાત ફેરા ફરીને આ તમામ સામગ્રી સાથે પૂજન કરવાનું મહત્વ હોય છે. પ્રદક્ષિણા ફરતી વખતે 'ઓમ્ વિષ્ણવે નમ: ' મંત્રનો જાપ કરવાનો મહિમા છે. માનવામાં આવે છે કે, હોળીનો તાપ લેવાથી શરીરની તંદુરસ્તી જળવાઇ રહે છે. 2 માર્ચે શરૂ થયેલા હોળાષ્ટક 9 માર્ચે રાત્રે 11.18 વાગ્યે પૂરા થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, હોળીનો ધુમાડો પૂર્વ દિશા તરફ જાય તો રાજા-પ્રજા બન્ને સુખ મળે છે. પશ્ચિમ તરફ જાય તો ધન, સંપત્તિ વધે છે. ઉત્તર દિશા તરફ જાય તો ખેતી સારી થાય છે. દક્ષિણ દિશા તરફ જાય તો દુકાળ, મહામારી પેદા થાય છે. ધુમાડો સીધો આકાશ તરફ જાય તો સત્તા પરિવર્તન થતું હોવાનું માનવામાં આવે છે.આમ આજે હોલિકાદહન પૂર્ણ થયા બાદ આવતીકાલે સૌ કોઈ રંગોનો પર્વ ધૂળેટીની પણ ઉજવણી કરશે.