રાજ્યના કર્મચારીઓને દિવાળીની ભેટ, મળશે આટલું બોનસ

રાજ્યના કર્મચારીઓને દિવાળીની ભેટ, મળશે આટલું બોનસ

Mysamachar.in-ગાંધીનગરઃ

દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ કેન્દ્ર સરકારની જેમ જ રાજ્ય સરકારે પોતાના લાખો કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે, જેમાં રાજ્ય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે. નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 3500 રુપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડ રુપિયાનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના 31,596 કર્મચારીઓને મળશે.

આ સિવાય અન્ય એક જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમ.બી.બી.એસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે એમ.બી.બી.એસ.ની બેઠકો વધારવા માટે નવી કોલેજોના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા (આકાંક્ષી જિલ્લો) ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ-3 નવી મેડીકલ કૉલેજો માટે હયાત હૉસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધ્ધાંતિક મંજૂરી મળશે.”