કિલોવોટના ભાવ જાહેર ન થતાં સોલાર રૂફ ટોપ યોજના ખોરંભે..

કિલોવોટના ભાવ જાહેર ન થતાં સોલાર રૂફ ટોપ યોજના ખોરંભે..
File Image

Mysamachar.in-જામનગર:

સૌર ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન થાય અને ગ્રાહકોને વીજબીલમાં ફાયદો થાય તે માટે રાજય સરકાર દ્વારા જામનગર સહીત રાજયભરમાં વર્ષ-2015માં સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે.જેમાં જુદા જુદા સમયગાળા દરમ્યાન સબસીડી અને કીલોવોટના ભાવ રાજય સરકાર દ્રારા જાહેર કરવામાં આવે છે.ગત વર્ષે એટલે કે વર્ષ 2018 માં ઓકટોબર મહીનામાં સબસીડી જાહેર કર્યા બાદ લક્ષ્યાંક પૂર્ણ થતા ડીસેમ્બરમાં યોજનાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ-2019 ના જાન્યુઆરી થી જૂન મહીના સુધી એટલે કે 6 મહીનાથી સોલાર રૂફ ટોપ યોજનાના કીલો વોટના નવા ભાવ જાહેર કરવામાં ન આવતાં આ યોજના ખોરંભે પડી છે. જામનગર શહેર-જિલ્લામાં આ યોજનામાં 200 થી વધુ ચેનલ પાર્ટનર હોય રૂફ ટોપ લગાવવા ગ્રાહકોનું બુકીંગ હાઉસફુલ થયું છે. પરંતુ 6 મહીનાથી કીલો વોટના ભાવ રાજય સરકાર દ્રારા જાહેર કરવામાં ન આવતા કામગીરી ઠપ્પ થતાં આ યોજના ખોરંભે પડતા ચેનલ પાર્ટનર અને ગ્રાહકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

-સબસિડી વગર સોલાર રૂફ ટોપ યોજના 30 થી 40 ટકા મોંઘી
સોલાર રૂફ ટોપ યોજનામાં સબસીડી વગર આ યોજના ગ્રાહકોને 30 થી 40 ટકા મોંધી હોવાનું ચેનલ પાર્ટનરોએ જણાવ્યું છે.વર્ષ-2018 માં એક કીલો વોટનો ભાવ રૂ.48300 અને 3 કીલો વોટનો ભાવ રૂ. 144900 હતો.જેમાં સબસીડી બાદ કરતાં એક કીલો વોટનો ભાવ રૂ.23810 અને 3 કીલો વોટના રૂ.81430 ગ્રાહકને ચૂકવવા પડે.પરંતુ સબસીડી જાહેર ન થાય તો ગ્રાહકને 30 થી 40 ટકા વધુ કિંમત ચૂકવવી પડે.

-ગત વર્ષે 30 ટકા સબસિડી જાહેર કરવામાં આવી હતી
સોલાર રૂફ ટોપ યોજનામાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 30 ટકા અને રાજય સરકાર દ્વારા 1 કીલો વોટમાં રૂ.10000 અને 1 કીલોથી વધુ વોટ માટે રૂ.20000 સબસીડી જાહેર કરવામાં આવી હતી.

-અપેક્ષા જેટલુ ઉત્પાદન નથી થતુ
વર્ષ-2015 થી શરૂ થયેલી સોલાર રૂફ ટોપ યોજનામાં અત્યાર સુધીમાં મીટર લગાવવા માટે PGVCLમાં કુલ 1130 અરજી થઇ છે.જેમાંથી 1080 મીટર લગાડવામાં આવ્યા છે જયારે 54 અરજીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું વીજકંપનીના અધિકારીએ જણાવ્યું છે.અત્યાર સુધીમાં કુલ 4899 કીલોવોટની અરજી સામે 4051 કીલોવોટ રીલીઝ કરવામાં આવ્યા છે.એટલે કે હાલમાં સોલાર રૂફ ટોપ યોજના દ્વારા દૈનિક સરેરાશ 16000 યુનીટ એટલે કે રૂ.112000 ની વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. જે અપેક્ષા કરતા ઘણુ ઓછુ છે.