શ્રી સમાજ સેવક મહાવીર દળના પ્રયાસથી હવે આધુનિક બનશે આદર્શ સ્મશાન

શ્રી સમાજ સેવક મહાવીર દળના પ્રયાસથી હવે આધુનિક બનશે આદર્શ સ્મશાન
શ્રી સમાજ સેવક મહાવીર દળ દ્વારા પત્રકારોને માહિતગાર કરાયા હતા

Mysamachar.in-જામનગરઃ

જામનગર શહેરમાં શ્રી સમાજ સેવક મહાવીર દળ સંચાલીત આદર્શ સ્મશાનમાં લોકોની સુવિધા માટે નવિનિકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ફરનેશની જગ્યાએ નવી ગેસ આધારિત ફરનેશ બનાવવામાં આવશે. જેનાથી વારંવાર ફરનેશ બંધ રહેવાની સમસ્યા સહિતના પ્રશ્નોનું નિરાકરણ થશે.

શ્રી સમાજ સેવક મહાવીર દળના સંચાલકો દ્વારા લોકોની સુવિધા માટે આદર્શ સ્મશાનમાં પાયાથી લઇને સામાન્ય જરૂરિયાતની વસ્તુઓનું નવિનિકરણ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગ રૂપે હાલ સ્મશાનમાં બે ઇલેક્ટ્રીક ફરનેશ ઉપયોગમાં છે, તેમાંથી એક ફરનેશનો કાર્યકાળ પૂર્ણ થઇ જવાથી તે બંધ સ્થિતિમાં જ છે, આ ભઢ્ઢીના મેઇન્ટેન્સમાં નોંધપાત્ર રકમનો ખર્ચ કર્યા બાદ પણ તે કાર્યરત થઇ શકે તેમ નથી. તેના સ્થાને ગેસ આધારિત સંપૂર્ણ નવી ફરનેશ બનાવવામાં આવશે. ગેસની ફરનેશ આવી જવાથી પ્રદુષણ અને ઇલેક્ટ્રીકસીટીની બચત થશે. આ ફરનેશની કામગીરીમાં અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આપણી પરંપરા પ્રમાણે લાકડામાં જ અગ્નિદાહ દેવાનો રિવાજ છે, ઘણા લોકો લાકડામાં જ અંતિમવિધિ કરવાને પ્રાધાન્ય આપતા હોય છે, આથી સંસ્થા દ્વારા લાકડાની નવી ત્રીજી ફરનેશ બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, હાલમાં લાકડામાં અગ્નિદાહ આપવાથી પ્રદુષણ વધુ ફેલાય છે, વધુ લાકડાની પણ જરૂર પડતી હોય છે અને છતના પતરાને પણ નુકશાન થતું હોય છે. હવે લાકડાની એવી ફરનેશ લગાવવાનું આયોજન છે જેમાં ઓછા લાકડાથી વધુ ઝડપથી અગ્નિદાહની કાર્યવાહી થઇ શકશે. આ કામ પાછળ અંદાજિત 50 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 

સંસ્થા દ્વારા સ્મશાનમાં હાલની પ્રતિમાઓની જગ્યાએ ગ્લાસ રીઇન્ફોર્સડ ફાયબરની મૂર્તિઓ લગાવવાનું આયોજન કરેલ છે. આ પૈકી રવિન્દ્રનાથ ટાગોર, રામ-લક્ષ્મણ અને જાનકી, જલારામ બાપાની પ્રતિમાઓ આવી ગઇ છે, જેના ફિટિંગનું કામ ચાલું છે, જ્યારે છત્રપતિ શિવાજી અને ગાંધીજીની પ્રતિમાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આ પ્રતિમાઓ લગાવ્યા બાદ તેનું જાળવળી ખર્ચ ખુબ જ જુજ આવશે અને તેના માટેનો અંદાજીત ખર્ચ 20 હજારથી 1.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

વહિવટી કાર્યો જેવા કે મરણ નોંધ, નવા-જૂના રેકોર્ડની માહિતી હવે કોમ્પ્યુટરાઇઝ કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. અંદાજે 25 લાખના ખર્ચે સ્મશાનની સંપૂર્ણ કામગીરીને કોમ્પ્યુટરાઇઝ કરવા અને નવા વહિવટી ભવનનું નિર્માણ કરવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ થવાથી દસ્તાવેજ ડિઝિટલ થઇ જશે જેની જાળવણી વર્ષો સુધી રહેશે. અન્ય એક નવિનિકરણના ભાગરૂપે સ્મશાનમાં અંતિમવિધિમાં વપરાતી સાધન સામગ્રી સ્મશાન ખાતે જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. બધા જ કાર્યો માટે ઉદાર હાથે દાતા પાસે સહયોગની અપેક્ષા સહ અપીલ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.