નાણાભીડના કારણે વધતુ વ્યાજ વટાવનું દુષણ ..

નાણાભીડના કારણે વધતુ વ્યાજ વટાવનું દુષણ ..

Mysamachar.in-જામનગર:

હાલના સમયમાં મોંઘવારી, બેરોજગારીએ અજગરી ભરડો લીધો છે,ત્યારે વ્યાજવટાવનું દુષણ વધવા લાગ્યુ છે,અનેક પરિવારો 5થી 10 % વ્યાજ ભરે છે,અને હાલાકીનો ભોગ બને છે,અંતે ઝઘડા, આપઘાતના પ્રયાસ, ગુનાઓ વગેરે સ્વરૂપ પકડે છે,ત્યારે સમગ્રપણે પરિસ્થિતિ કાબુ બહાર થતી જાય છે,આવા સમયમાં એક તો લોકો સંયમ રાખે અને સરકાર રોજગારના ક્ષેત્ર વિકસાવે તે માટેના પ્રયાસ જ કંઇક ઉકેલ આપે..

સામાન્ય રીતે એક પરિવારમાં રાશન, મકાન ભાડુ અથવા વેરા, દૂધ ચા પાણી, મોબાઇલ, વાહન ઇંધણ, વીજ વપરાશ, દવા-આરોગ્ય વગેરે માટે ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયા માસીક ખર્ચ સહેજે થાય તે પ્રમાણેના દરેક ચીજ વસ્તુઓના ભાવ છે,ત્યારે તેની સામે એટલી આવક દર મહીને થાય (કદાચ) માંડ-માંડ તો ઓચિંતો કોઇ ખર્ચ જરૂરી વ્યવહારિક પ્રસંગો- પ્રવાસ- મહેમાનગતિ વગેરે તો ચાલતા જ રહેતા હોય છે,

ગ્રામ્ય વિસ્તારથી જોઇએ તો ખેત ઉત્પાદન સારા થતા હોય, નિયમીત રીતે, તો ખેડૂત તો કમાય, ખેતમજૂરો કમાય, ગામડાના વેપાર-ધંધામાં રોટેશન આવે, તે ઉપજ શહેરમાં આવે ત્યાંથી નાણા મળે તે ગામડામાં અને શહેરમાં વપરાય રોકાણ થાય જેના કારણે પરોક્ષ રોજગારી વધે. દુકાનો-શોરૂમ- ખાનગી ક્ષેત્રમાં વેચાણ-સેવાના વ્યાપ વધે તો સ્ટાફની વધુ જરૂર પડે અને રોજગારી વધે તો ગમે તેમ કરીને લોકો ગુજરાન ચલાવી શકે,કારખાના ઉત્પાદનની માગ વધે તો તેમાં પણ રોજગારી વધે, વધુ લોકો કમાય અને તેમના ગુજરાન ચાલે.

શાકભાજી, ફળ, નાસ્તા, કાપડ વગેરેની ફેરી કરનારા ફેરિયાઓ પાસેથી લોકો ખરીદશકિત હોય તો ખરીદી કરે પૈસા વાપરે અને રોટેશન રહે,પરંતુ જામનગર શહેર અને જિલ્લામાં આ તમામ ક્ષેત્રમાં મંદી જ છે, ઉપરથી મોંઘવારી છે...અનેક લોકો પાસે છુટક રોજગારી પણ માંડ-માંડ છે,આવા સમયમાં દેખીતુ છે કે ‘અટકતુ’ હોય માટે વ્યાજે નાણા લેવા પડે, આંધળી દોટથી નાણા તો લઇ લે, આવક તો છે નહીં બાદમાં વ્યાજ ભરી ન શકાય માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે જે જગજાહેર છે.જેના અનેક કિસ્સાઓ કોઈ ને કોઈ રીતે પોલીસચોપડે પણ સમયાંતરે નોંધાતા રહે છે,

શહેરમાં 35 હજાર પરિવાર જ ભરપેટ જમી શકે છે,
પુરવઠા વિભાગના એપીએલ-1, એપીએલ-2, બીપીએલ, અંત્યોદય વગેરે રેશનકાર્ડના આધાર લઇ તેના ઉપરથી પરિવારોની આવકના અંદાજ કરીએ તો 35 હજાર પરિવાર જ (કુલ સવા લાખ ફેમીલીમાંથી) બે ટંક ભરપેટ અને એકથી વધુ ટાઇમ નાસ્તો, ફુટ વગેરે ખાઇ શકે છે.એ સિવાયના ૩૫ હજાર પરિવારો એવા છે કે જે માંડ-માંડ બે છેડા ભેગા કરી લે છે,તે સિવાયના 55 હજાર પરિવાર એવા છે કે તેમની આવક આસમાની સુલતાની છે,એક ટંક જમી શકે છે અને એ સિવાયના આકસ્મીક ખર્ચ કરી શકતા નથી, ઉછીના-ઉધારી કરી ગુજરાન ચલાવે છે તેના કારણે (ઉપરાંત સક્ષમ હોવા છતાં નિયમીત નાણા આપવાની દાનત ન હોવાના કારણે) બજારમાં લાખો રૂપિયાની ઉઘરાણીઓ પેન્ડીંગ છે. એટલું જ નહીં સ્નાતક અને અનુસ્નાતક બેરોજગાર છે તે કાંતો ગુના, ટુંકા રસ્તા, વ્યાજ વટાવ તરફ વળે તે સ્વાભાવિક છે.