નાયબ મામલતદાર અને તલાટીની  "કળા" ની પોલ ખુલી?

નાયબ મામલતદાર અને તલાટીની  "કળા" ની પોલ ખુલી?
symbolic image

Mysamachar.in-જામનગર:

જામનગરના અમુક પંકાયેલા નાયબ મામલતદાર કે તલાટી કોઇ ચોક્કસ "હિત" કે "લાભ" માટે "કળા" કરતા હોય છે, જેનાથી સમગ્ર રેવન્યુ ડીપાર્ટમેન્ટ બદનામ થાય છે, અંતે સરકારી નિતિનિયમો પ્રક્રિયાઓ જોગવાઇઓના હિત જળવાતા નથી, જામનગર ડીઝાસ્ટર શાખાના હાલના મામલતદાર કે.બી.સંઘવી જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર હતા, ત્યારે મોખાણામા એક અરજદારને મળેલી એકતાલી જમીન રીગ્રાન્ટ કરવા તલાટી રામદેવસિંહ પરમાર સાથે રોજકામ માટે વીઝીટ કરવા ગયેલા ત્યારે ખેત ઉત્પાદન થઇ રહ્યાનો રિપોર્ટ તેમની ઉપલી ઓથોરીટી સુધી મોકલી આપ્યા બાદ....

ઉચ્ચઅધિકારી એવા તત્કાલીન પ્રાંત અધીકારી રાયજાદાએ ભરોસો રાખી આ જમીન રીગ્રાન્ટ હુકમના સ્ટેજે પ્રકરણ રાખ્યુ હતુ, તેવામા હાલમાં જ બદલી પામેલા આઈ.એ.એસ અધીકારી ચૌધરીને કંઇ વધુ ચોક્સાઇ કરવાનુ સુઝ્યુ અને તેવોએ નાયબ મામલતદાર  ચેતન ઉપાધ્યાયને સ્થળ તપાસ માટે મોકલ્યા તો ચિત્ર ઉલટુ જ નીકળ્યુ એ જમીન જ્યા ખેત ઉત્પાદન થઇ રહ્યાનુ દર્શાવેલુ ત્યા તો ટેકરાળ અને ખાડા ખડબા બધુ જ હતુ..... ખેતીનું નામોનિશાન  જ ન હતુ, માટે બીજા  નાયબ મામલતદાર ગયા તેમણે એ સાચી સ્થિતિનો રિપોર્ટ પ્રાંત અધીકારીને આપતા ચોંકી ઉઠેલા અધીકારીએ જે તે વખતે રોજકામ કરવા ગયેલા નાયબ મામલતદાર સંઘવી હાલના ડીઝાસ્ટર મામલતદાર અને તે વખતના તલાટી રામદેવસિંહ જે હાલ પણ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં જ છે તે બંનેના  નિવેદનો લઇ અને મામલો કલેકટર તરફ રવાના કર્યો છે, 

સમગ્ર મામલો દર્શાવે છે આ પ્રકારે અનેક પરવાના, પ્રમાણપત્રો સનદો વગેરેના કિસ્સાઓમા આવુ થતુ હોય તો કોને ખબર પડે? દરેક સ્થળે ઉચ્ચ અધીકારી પહોંચી ન શકે એ સ્વાભાવિક છે, રેવન્યુમા ખાસ કરીને જમીન સહિતના મામલે એકડો તલાટીથી ઘુંટાતો હોય છે, તેના ઉપર પ્રકરણોની ફાઇલો બનતી જાય છે, મોટાભાગે તલાટીઓ પ્રમાણીકતાથી જ કામ કરતા હોય છે પરંતુ રેવન્યુમા રહેલા બે-ત્રણ તલાટીઓના કારણે ડીપાર્ટમેન્ટનુ નામ બગડી શકે છે, એવામાં રીટાયરમેન્ટની નજીક રહેલા ડીઝાસ્ટર મામલતદાર સંઘવીને ભય પેસી ગયો છે કે જો બધી કળાઓ ખુલ્લી પડે તો પેન્શનમા મુશ્કેલી સર્જાય માટે પોતાના કરેલા કારસાઓ ખુલ્લા ન પડે તે માટે તેના ખાસ ત્રણ તલાટીઓ જેમના પાસે બધી કળાઓ કરાવી હોય તેમને એલર્ટ કર્યા છે,

જેમાંથી હાલ લાલપુર તલાટી છે તે વિજય ગોહિલનું જે તે સમયનું  “સહી કૌભાંડ દબાઇ ગયુ છે જે પણ સંઘવી નાયબ મામલતદાર હતા ત્યારે જ સગેવગે કર્યુ હતુ હજુ આ પ્રકારે તલાટીઓને ઓથ આપી નિયમબહાર ના કામ માટે  કેટલા તલાટીઓ અને ક્લાર્કોને હાલના મામલતદાર સંઘવીએ પ્રોત્સાહીત કર્યા છે તે તમામ કિસ્સાઓની વિગતો પણ કદાચ સામે આવી શકે છે, આ અંગેનો અહેવાલ જીલ્લા સમાહર્તા સુધી પહોચી ચુક્યાનું પણ જાણવા મળે છે ત્યારે શું અને કેવા પગલાઓ લેવાશે તે તો આવનાર સમય જ બતાવશે.