સાવધાન ! ભેજાબાજો OTP વગર બેંક એકાઉન્ટ સાફ કરી નાખશે

સાવધાન ! ભેજાબાજો OTP વગર બેંક એકાઉન્ટ સાફ કરી નાખશે
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

ડિજિટલ ઇન્ડિયાનું સપનું ભલે હજુ અધ્ધરતાલે હોય પરંતુ ભેજાબાજોની ટોળકી સંપૂર્ણ રીતે ડિજિટલ બની ગઇ છે અને આંખના પલકારામાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખવામાં માસ્ટર બની ગઇ છે. પોલીસે આ માટે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ જ તૈયાર કર્યો તેમ છતા ભેજાબાજો એક સ્ટેપ આગળ હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે ઓનલાઇન નાણાંની હેરફેર માટે ઓટીપીની જરૂર પડતી હોય છે પરંતુ સાયબર ક્રિમિનલ્સે તેનો પણ રસ્તો શોધી લીધો છે. આવા બેથી ત્રણ કિસ્સા સામે આવ્યા છે જેમાં OTP વગર ખાતામાં પડેલા નાણાં ઉપાડવામાં સફળતા મેળવી લીધી છે. 

સૌપ્રથમ આ ભેજાબાજો લોન કે જોબની ઓફર કરી વ્યક્તિને વિશ્વાસમાં લીધા બાદ મોબાઇલ પર મેસેજ સાથે લિંક મોકલવામાં આવે છે. આ લિંક પર ક્લિક થતા જ મોબાઇલના એક્સેસ પાવર ભેજાબાજ પાસે આવી જાય છે. આ રીતે મોબાઇલના પર્સનલ ડેટાની સાથોસાથ બેંક ડિટેલ્સ થકી ભેજાબાજો બેંકમાંથી નાણાં બારોબાર ટ્રાન્સફર કરી ગુનાને અંજામ આપી રહ્યા છે. આવું જ બન્યું હતું અડાજણના એક યુવક સાથે, જેને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. યુવકે બેંકના નામે કોલ કરી વાતોમાં ભોળવી કેવાયસી (KYC) ઓનલાઇન એપથી અપડેટ કરી શકો છો. એમ કહી એક લિંક મોકલી આપી હતી. જે લિંક પર ક્લિક કરાતા જ મોબાઇલ કોમ્પ્રોમાઈઝ થઇ ગયો હતો અને ભેજાબાજો રિમોટની જેમ મોબાઇલનો યુઝ કરી બેંક એકાઉન્ટની ડિટેઈલ્સ મેળવી લીધી હતી. આ ડિટેઈલને આધારે તેના ખાતામાં રહેલી રકમ બારોબાર ઉપાડી લીધી હતી.

અન્ય એક કિસ્સામાં મહિધરપુરાના એક વેપારીએ ઓએલએક્સ (OLX) પર સોફો વેચવા મૂક્યો હતો. તેમના પર એક વ્યક્તિએ કોલ કરી પોતે દિલ્હીનો હોવાનું અને આ સોફો ખરીદવાની ઈચ્છા બતાવી હતી. જો કે, આ સોફો સુરતમાં રહેતાં સંબંધીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું કહી બારોબર ડિલિવરી કરવાની વાત કરી હતી. જેનો એકસ્ટ્રા ચાર્જ ચૂકવવાની પણ તૈયારી બતાવી હતી. ત્યારબાદ વેપારીને એક લિંક મોકલી આપી હતી. વેપારીએ આ લિંક ઓપન કરતા જ તેમનું બેંક એકાઉન્ટ તળિયા જાટક થઇ ગયું હતું. સાયબર પોલીસ પણ ભેજાબાજોની વિચિત્ર મોડસ ઓપરેન્ડી જાણી વિચારતી થઇ ગઇ છે, હાલ આવા આરોપીને કેવી રીતે રોકવા તેનો ઉકેલ શોધી રહી છે,

બચવા શું કરવું ?

સાયબર એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે અને શંકા જાય તો સામે વાળાને વાતોમાં ભોળવીને કે ખોટી માહિતી આપી કન્ફ્યુઝ કરી દેવા જોઇએ. હંમેશાં મોબાઇલ અને વિવિધ એપમાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઇએ. મોબાઇલમાં લાઈસન્સ વર્ઝનવાળા એન્ટિવાયર કે એન્ટિ માલવેર અપડેટ રાખવા જોઇએ. અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરવી નહીં.