Mysamachar.in-જામનગરઃ
વચ્ચે થોડા વિરામ બાદ ફરી ઠંડીનો જોર વધી ગયું છે. શનિવારે જામનગરનો તાપમાનનો પારો ઘટીને લઘુત્તમ 11.5 થઇ જતા લોકો તાપણા કરવા મજબૂર બન્યા છે. ભેજનું પ્રમાણ 53 ટકા અને પવનની ગતિ 7.1 રહેતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ગઇકાલે તાપમાનનો પારો લઘુત્તમ 13 ડિગ્રી રહ્યો હતો. તો હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુકાશે. તેમજ 24 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે.ઉતરપૂર્વના પવનો ફુકાય રહ્યા છે, અને ઉતરભારતમાં ઠંડીની અસર ગુજરાતમાં પણ અનુભવાય છે. કારણ કે ડિસેમ્બરના અંતમાં લઘુતમ તાપમાન ઘટી રહ્યુ છે, અને લોકો શિયાળાની ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
તો રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળતાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. નલિયા 4.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડીસા 7.6 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તો રજાના મૂડમાં આવેલા મોટાભાગના ગુજરાતીઓએ હાલ માઉન્ટ આબુમાં ધામા નાખ્યા છે, એવામાં અહીં શુક્રવારનું તાપમાન માઇનસ 1.5 ડિગ્રી સુધી નીચે આવી ગયું હતું. ઘણા વિસ્તારોમાં બરફ જોવા મળ્યો હતો.