Mysamachar.in-જામનગરઃ
લાખો યુગલોને પ્રેરણા આપનારા જામનગરના હિરલ અને ચિરાગના સાચા પ્રેમની કહાનીનો અંત આવ્યો છે. અથાગ મહેનત અને મંગેતર ચિરાગના સાથ બાદ પણ હિરલ જીંદગીનો જંગ હારી ગઇ. સગાઇ એટલે દાંપત્ય જીવનમાં પ્રવેશવાનું પ્રથમ ડગલું, એક બીજાની સાથે રહેવાનો વાયદો. ઘણા કિસ્સાઓમાં નાની અમથી અનબનથી સગાઇ તૂટી જાય છે. પરંતુ સગાઇની રીતને સાચા અર્થમાં સાર્થક કરતો આ રિયલ કિસ્સો છે. વાત છે જામનગરના લાલપુર તાલુકાના ડબાસંગ ગામનો, આ ગામમાં જ રહેતાં હિરલ અને ચિરાગે સગાઇ કરી જીવનભર સાથ આપવાનો કોલ આપી લગ્નનું સ્વપ્ન જોયું હતું. પરંતુ અચાનક એવી આફત આવી પડી કે બંનેના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું. એક દૂર્ઘટનામાં હિરલે બે પગ અને એક હાથ ગુમાવ્યો, જો કે આ દુઃખના સમયમાં હિરલનો મંગેતર ચિરાગ ઢાલ બનીને તેની પડખે ઉભો રહ્યો હતો.
18 વર્ષીય હિરલ ગજ્જરની 28 માર્ચે ડબાસંગમાં જ રહેતા ચિરાગ ભાડેસીયા સાથે સગાઇ થઇ હતી. સગાઇના બે મહિના બાદ હિરલ પોતાના ઘરે છાપરા પર કપડા સૂકવી રહી હતી. એ દરમિયાન ઉપરથી પસાર થતા 66 કેવીનો વીજવાયર મોત બનીને ત્રાટકતા સ્થળ પર જ હિરલનો હાથ કપાઇ ગયો. હિરલની પ્રાથમિક સારવાર જામનગર જી.જી.હોસ્પિટલમાં મેળવ્યા બાદ વધુ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ હતી. જ્યાં હિરલના બન્ને પગ ઢીચણ સુધી કાપવા પડ્યા હતાં. જો કે વરવી પરિસ્થિતિ દરમિયાન હિરલને એકલી મૂકવાને બદલે ચિરાગે જીવનભર સાથ આપવા તૈયારી દર્શાવી અને હોસ્પિટલમાં દિવસ-રાત તેની પડખે ઉભો રહ્યો, જો કે કુદરતને કંઇક બીજું મંજુર હતું અંતે હિરલે અંતિમ શ્વાસ લઇ લીધા.
હિરલના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો, જ્યાં અંતિમવિધિ દરમિયાન હિરલને પરિણિતાની જેમ શણગારવામાં આવી હતી, આ જોઇ ચિરાગ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો હતો. પરિવાર માટે પણ આ ઘણી જ વસમી ઘડી હતી. આ દુ:ખની ઘડીમાં કોણ કોને શાંત પાડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. કળયુગમાં પતિ-પત્ની વચ્ચે સહેજ પણ વાંધા વચકા પડે તો તરત જ અલગ થઇ જતા હોય છે. ત્યારે યુવતીના ત્રણ ત્રણ અંગ કપાયા, સાત મહિના હોસ્પિટલમાં સારવાર થવા છતા બચી જશે અને લગ્ન કરવાનું સપનું જોઇ ચિરાગે ખરા અર્થમાં હિરલનો અંતિમ સમય સુધી સાથ નિભાવ્યો હતો.