ગુજરાતમાં બંદૂકરાજ ? જાણો પાંચ વર્ષમાં કેટલી બંદૂકનું વેચાણ થયું !

ગુજરાતમાં બંદૂકરાજ ? જાણો પાંચ વર્ષમાં કેટલી બંદૂકનું વેચાણ થયું !

Mysamachar.in-ગાંધીનગરઃ

ડિસેમ્બરમાં મળેલા બજેટ સત્રના સેશનમાં પૂછાયેલા એક પ્રશ્નમાં સામે આવ્યું છે કે, છેલ્લા 5 વર્ષમાં (1 જુલાઇ 2014થી 30 જૂન 2019) ગુજરાતમાં 9387 ગનનું વેચાણ થયું છે. 1340 ગનના વેચાણ સાથે અમદાવાદ પ્રથમ જ્યારે રાજકોટ 1161 સાથે બીજા નંબરે છે. 9387 ગનમાં NPB ગન, રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલનો સમાવેશ થાય છે. સેલ્ફ પ્રોટેક્શન અને ક્રોપ પ્રોટેક્શન માટે લોકો સૌથી વધુ ગન ખરીદતા હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં બંદૂકના વેચાણમાં 118 ટકા જેટલો વધારો થયો છે. જામનગરમાં 543, અમદાવાદ 1,340, રાજકોટમાં 1161, કચ્છમાં 598, સુરતમાં 308 અને વડોદરામાં 391 બંદૂકનું વેચાણ થયું છે. અમદાવાદના સાબરમતી આરટીઓમાં સીએમ ગન હાઉસનો હવાલો સંભાળનારનું કહેવું છે કે બંદૂક ખરીદનારાઓની યાદીમાં ઉદ્યોગપતિઓ અને વકીલો સૌથી ઉપર છે. 0.32 રિવોલ્વર અમદાવાદમાં સૌથી વધુ વેચાય છે.

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 9387 જેટલી ગનનું વેચાણ થયું હતું. જેમાથી 25 ટકા ગનનું વેચાણ માત્ર જુલાઇ 2016થી જૂન 2017 સુધીમાં થયું હતું. તે જ વર્ષે સરકાર દ્વારા વેપન ટેક્સમાં 120 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી સરકારને 2014થી 2015ની સરખામણીમાં 2016થી 2017માં રૂ. 52,96,618ની આવક થઇ હતી. જોકે 2018થી 2019માં માત્ર 1,262 ગનનું જ વેચાણ થયું હતું. ગુજરાતમાં વેચાયેલી બંદૂકોમાં 34 ટકા રિવોલ્વર અને 6.5 ટકા પિસ્તોલ છે. જોકે, 12 બોર ગન વેચાણનું 57 ટકા જેટલું છે. આ 12 બોર ગન સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે જ્યાં લોકો પાકની સુરક્ષા માટે લાઇસન્સ મેળવે છે. ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ 2019 સુધીમાં 1700 ગન લાઇસન્સ ઇસ્યુ કર્યા હતા જેમાથી 15 ટકાથી વધુ અમદાવાદ જિલ્લાને સેલ્ફ પ્રોટેક્શન અને પાક સંરક્ષણ માટે આપવામાં આવ્યા હતા. સેલ્ફ પ્રોટેક્શન માટે અમદાવાદ શહેરમાં સૌથી વધુ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.