Mysamachar.in-જામનગરઃ
સમાજમાં કેટલાક લાલચી લોકોને કારણે વધુ એક પિતા દીકરીની ખુશી માટે લાચાર બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં કોઇપણ વાત ફેલાતા વાર નથી લાગતી, થોડા સમયથી સુરતના વેવાઇ-વેવાણ ભારે ચર્ચા છે, ત્યારે હવે જામનગરની એક વેવાણે પોતાના લખણને કારણે ચર્ચા જગાવી છે. આ વેવાણ અને દીકરીના પિતા સાથેની વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં વેવાણ ખુલ્લેઆમ દીકરીના પિતા પાસે દહેજની માગણી કરી રહી છે, આ ઓડિયો ક્લિપ સાથે અન્ય એક ઓડિયો ક્લિપ પણ વાયરલ બની છે જેમાં કોઇ સામાજિક વ્યક્તિએ દહેજ માગનાર વેવાણના પતિને, વેવાણ અને તેના દિકરાને રોકડું પરખાવી ખખડાવ્યા હતા.
વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં વેવાઇ અને વેવાણની વાતચીત છે, જેમાં વેવાણ કહી રહી છે કે તમે એક લાખ રૂપિયા રોકડા આપ્યા છે, એક લાખ રૂપિયામાં કાઇ ન આવે, સાથે ફ્રીઝ, ઘરઘંટી પણ આપવી જોઇએ. એટલું જ નહીં દાગીના પણ આપવા જોઇએ. સામેની બાજુ દીકરીના પિતા વેવાણને ભરોસો આપી રહ્યાં છે કે તમે જે કહેશો તે હું મોકલાવી આપીશ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપના કારણે દહેજની ભૂખી વેવાણ પર ચારે બાજુ ફિટકારની લાગણી પ્રસરી છે. તો એક સામાજિક વ્યક્તિએ વેવાણના પતિ સાથે વાતચીત કરી રોકડું પરખાવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે દહેજ માગવી એ ગુનો બને છે, સામા પક્ષે વેવાણના પતિનું કહેવું છે કે પોતે PSIની નોકરી કરે છે. ઓડિયો ક્લિપ બાદ એવી પણ ચર્ચા જાગી છે કે વેવાઇ અને વેવાણે પોતાની દહેજની માગણી ન સંતોષાતા સગાઈ પણ તોડી નાંખી છે, ત્યારે આ કિસ્સો સમાજ માટે કલંકરૂપ છે.