શિક્ષણ વધ્યુ પરંતુ નૈતિકતા ઘટી UNESCO એ કાન આમળ્યો

શિક્ષણ વધ્યુ પરંતુ નૈતિકતા ઘટી UNESCO એ કાન આમળ્યો
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

ભારતમાં સાક્ષરતા દર સંતોષકારક છે. પરંતુ આપણી સામાજીક, સાંસ્કૃતિક અને નૈતિક જીવનની અવ્યવસ્થા એ દેશમાં અશાંતિનું વાતાવરણ ઊભુ કરી દીધું છે. ખેદ સાથે કહેવું પડે છે કે આજે કોમવાદ, વ્યભિચાર, બળાત્કાર, ભેળસેળ, લુંટમાર, ચોરી, હત્યા, બાળશોષણ, ભ્રષ્ટાચાર અને બીજી દરેક અસામાજીક પ્રવૃત્તિઓમાં કહેવાતા શિક્ષિત લોકો મોખરે છે. એક કટાક લેખકના શબ્દો ટંકારવા યોગ્ય છે, “આપણી પાસે મનોબળ છે પણ સહાનુભુતિ નથી, સંશાધનો છે, પણ ઇશ્વરને ભૂલાવી દીધો છે, ગતિ છે પણ દિશા નથી, ધર્મ છે પરંતુ અધ્યાત્મિક્તાની પવિત્રતાનો અભાવ છે.” ભારત દેશની સાથે સમગ્ર વિશ્વ આ અરાજકતાનો ભોગ બન્યું છે. નૈતિકતામાં પતનની તરફ દોટ મૂકેલી વિશ્વની આ પરિસ્થિતિ જોતાં UNESCO એ નૈતિક શિક્ષણ માટેના કેટલાક પરિણામ આપ્યા જેમ કે બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વના વિકાસ માટે નૈતિકતા અને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપવું એ કુટુંબ અને સમાજની જવાબદારી છે.

-નૈતિક શિક્ષણ શું છે?

સ્વામી વિવેકાનંદના કેટલાક મૂલ્યો જોઈએ તો મુજબ નૈતિક શિક્ષણ વ્યક્તિના આચરણને સદાચારી બનાવે છે અને તેની બુદ્ધિમત્તાને વિકસાવે છે. નૈતિકતા એ વ્યક્તિની જીવનના વિવિધ ક્ષેત્રે કેળવાતો એક અભિગમ છે. શિક્ષણ એવું હોય જે વ્યક્તિના અભિગમ, લાગણીઓ અને ચારિત્ર્યને સાચી દિશા ચીંધી શકે. વ્યક્તિના જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને કાર્યક્ષમતાની સાથે વ્યક્તિ વિકાસને સંલગ્ન શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક, રાજકીય, સાંસ્કૃતિક, નૈતિક અને આધ્યાત્મિક જેવાં દરેક પાસાંઓને આવરી લે એવું શિક્ષણનું પરિરૂપ હોવું જોઇએ. દરેક નાગરિકના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને સંપૂર્ણપણે વિકસાવે એ જ સાચું શિક્ષણ, જેનો આધાર વિવિધ ધર્મોમાં સામ્યતા ધરાવતા નૈતિક મૂલ્યોની સામ્યતા પર હોય. વ્યક્તિ હેતુસર વિતાવવા સક્ષમ બને અને સમાજ પ્રત્યેની જવાબદારી પરિપૂર્ણ કરી શકે તો આપણું શિક્ષણ સાર્થક કહેવાય.