Mysamachar.in-વડોદરા
ગુજરાતમાં દારુની સાથે અન્ય કેફીદ્રવ્યોના સેવન કરનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે, એવામાં વડોદરા એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે નશાના સામાનનો ઉપયોગ થયા તે પૂર્વે જ મોટો જથ્થો ઝડપી પાડી અને નશાના કારોબારને આગળ વધતો અટકાવ્યો છે, વડોદરા એસઓજીની ટીમે છોટાઉદેપુર ડભોઈ હાઇવે પરથી 78 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પીકઅપ વાહનમાં અંદર છૂપાવેલા આ ગાંજાના પેકેટ જોઈને એક તબ્બકે તો પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી, પોલીસે કુલ 78 કિલો ગાંજા સાથે 9.87 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ વાનને અટકાવતા અંદરથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ પાસિંગની બોલેરોમાં ગાંજો છે.
જેના આધારે એસઓજીએ આ વાહનને રોકી ચાલક સહીત બન્નેની પૂછપરછ કરતા તેમણે આ ગાંજો મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાંગલી તાલુકાના મહાદેવથી મનીષ ઉર્ફે મનોજ નારચ પાસેથી લીધો હતો અને વિસનગર ખાતે રહેતાં બાબુશાહ ફકીરને આપવા જતા હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ધુલિયાથી 547 કિલોમીટર દૂર આવેલા વિસનગરમાં માલ આપવા જઈ રહેલા આ બન્ને શખ્સો અધવચ્ચેથી ઝડપાઈ ગયા છે, અને રાજ્યમાં વધુ એક વખત નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે.