Mysamachar.in-જામનગર
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના આરોપ કેટલીક યુવતીઓ દ્વારા લગાવવામાં આવતા આ મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, અને સરકારે સ્થાનિક કક્ષાએ ઉચ્ચ અધિકારીઓની એક કમિટીનું ગઠન કરી અને તુરત જ તપાસના આદેશો આપ્યા હતા, એવામાં ગત રાત્રીના તપાસના અંતે ભોગ બનનાર યુવતીની ફરિયાદ લઇ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જામનગર એએસપી નીતીશ પાંડે આજે સવારે સતાવાર રીતે મીડિયા સમક્ષ જણાવ્યું છે,
એએસપી નીતીશ પાંડેએ વધુમાં કહ્યું કે આ મામલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી વિરુદ્ધ આઇપીસી 354 A અને B 114 અને 509 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે, અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં બે હજાર કરતા વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમની દેખરેખ માટે 500 કરતા વધારે એટેન્ડન્ટ્સની નિમણૂંક કરવામાં આવી હતી. આ એટેન્ડેન્ટ પૈકી કેટલીક મહિલાઓનું તેમના જ સુપરવાઇઝર દ્વારા શારીરિક શોષણ થતા હોવાનાં ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સુપર વાઇઝર દ્વારા વારંવાર શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરાતું હતું. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ન થાય તો તેને નોકરીમાંથી છુટી કરી દેવા સુધીની ધમકીઓ સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી હતી. આ ચકચારી કેસમાં મહિલાઓનાં આક્ષેપ બાદ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી.અને આ અંગે પોલીસે ગુન્હો નોંધી હજુ આ પ્રકરણમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.