ગેમઝોનની દુકાનમાં ઓનલાઈન જુગાર પર પોલીસનો દરોડો 

અઢી લાખથી વધુનો મુદામાલ જપ્ત 

ગેમઝોનની દુકાનમાં ઓનલાઈન જુગાર પર પોલીસનો દરોડો 

Mysamachar.in:આણંદ 

આણંદ સાઈબર ક્રાઈમ પોલીસે બોરસદ શહેરના ગંજબજારમાં ગેમઝોન નામની દુકાનમાં કોમ્પ્યુટર મારફતે "માસ્ટર કીંગ "નામની ગેમ ઉપર ઓનલાઇન જુગાર રમાડી યુવાધનને બરબાદ કરતી દુકાને દરોડા પાડતા ચકચાર મચી છે.આ દરોડામાં પોલીસે નવ ઇસમોને કિ.રૂ.2,66,050/-ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.ગેમઝોનનો એક ભાગીદાર હજુ ઝડપાયો નથી.આણંદ સાઈબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે બોરસદ શાક માર્કેટની પાછળ ગંજબજારની બાજુમાં આવેલ પુરૂષોતમ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ ગેમઝોન નામની દુકાનમાં કોમ્પ્યુટરોના માધ્યમથી ઓનલાઇન ગેમ ઉપર હારજીતનો જુગાર રમી રમાડવા આવે છે.સાઈબર ક્રાઈમ પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો કરતા નાસભાગ મચી હતી.જોકે પોલીસે સમગ્ર જગાને ઘેરી લીધી હોઈ અંદરના જુગરિયાઓને નાશભાગ કરવામાં સફળતા નહોતી મળી.પોલીસ દ્વારા સ્થળની તપાસ કરતા આ જુગાર ગેમઝોન ચંન્દ્રેશ રમેશભાઇ પટેલ અને મીલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી ભાગીદારીમાં ચલાવતા હતા.અહીં આ શખ્સો "માસ્ટર કિંગ" ગેમમાં પોતાના નામના આઇ.ડી. બનાવી જુગારી ગ્રાહકોને આકર્ષી અને બોલાવી "માસ્ટર કીંગ "ગેમના યુજર આઇ.ડી. આપી યુવાધનને ગેમ રમવાના રવાડે ચડાવતા હોવાનું ખુલ્યું હતું.

મહત્વનું છે કે જુગાર કેસીનો જેવી જણાતી આ ગેમમાં મોટા પાયે ગેમ્બલિંગની રમત ચાલે છે. આ ગેમઝોનના આરોપી સંચાલકો છેલ્લા કેટલાય સમય થી આ આધુનિક જુગાર અડ્ડો ચલાવી લાખોની હારજીતનો ખેલ માંડી ચુક્યા હોવાનું જણાયું છે.જોકે આ વિસ્તારમાંથી આ અંગેની ફરિયાદ ઉઠતા જ પોલીસે દરોડો પડી કોમ્પ્યુટરોમાં ઓનલાઇન હારજીતનો જુગાર રમી-રમાડવાના જરૂરી સાધનોની સગવડતા ઉભી કરી ગેરકાયદેસર ગેમઝોન ચલાવતા ઇસમોને કોમ્પ્યુટર સીસ્ટમ નંગ-13 તથા મોબાઇલ વિગેરે મળી કુલ રૂ.2,66,050/-ના મુદ્દામાલ સાથે નવ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.જેમાં ગેમઝોનના માલિક ભાગીદાર પૈકી ચંદ્રેશ રમેશભાઇ પટેલ ઝડપાયો છે જ્યારે મીલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત અહીં જુગારગેમ રમવા આવેલ હિતેશકુમાર પરષોતમભાઇ ચૌહાણ , વિક્રમગીરી ગોસ્વામી , અરબાજમીયા આરીફમીયા મલેક , યકીનમહંમદ સબ્બીરૂદ્દીન મલેક , જંયતીભાઇ નટુભાઇ ,ઉર્વીશકુમાર કાંતિભાઇ પટેલ ,ભાનુભાઇ બાબુભાઇ પરમાર , બીંદેશભાઇ મફતભાઇ પરમાર તમામ રહે.બોરસદ જી.આણંદને ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.