ખાખી લજવી, દારૂની ખેપ મારતો કોન્સ્ટેબલ ઝડપાયો

પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ગાડી રોકાવી તપાસ કરતા...

ખાખી લજવી, દારૂની ખેપ મારતો કોન્સ્ટેબલ ઝડપાયો

Mysamachar.in-વડોદરા

રાજ્યમાં ખાખીને વધુ એક વખત બદનામ થવાનો વારો આવ્યો છે, જેમાં અન્ય કોઈ નહિ પરંતુ એક પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતો પોલીસના જ હાથે ઝડપાયો છે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરસિંગ રાઠવાને વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો છે, પોલીસકર્મી જ દારૂની ખેપ મારતા પકડાઈ જતા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનના તાલીમી પોલીસ અધિકારી જગદીશ બાંગરવા સહિતની ટીમ વોચમાં હતી,

ત્યારે નર્મદાની કેનાલ તવરા ગામ પાસેથી પસાર થતી પીકઅપ ગાડીને રોકી હતી અને તેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. દારૂની સાથે ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતા તે પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું પોલીસે તપાસ કરતા તેનું નામ હરસિંગ રાઠવા હોવાનું બહાર આવ્યું હતું. વાઘોડિયા પોલીસે તેની પાસેથી 1.70 લાખ રૂપિયાના વિદેશી દારૂ સહિત 2.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.