પોલીસ કલાકો સુધી નવીનકોર કારનો પીછો કરતી રહી, અંતે 250 કિલો ગાંજો લાગ્યો હાથ 

આ જીલ્લામાં બની છે ઘટના વાંચો પૂર્ણ વિગત 

પોલીસ કલાકો સુધી નવીનકોર કારનો પીછો કરતી રહી, અંતે 250 કિલો ગાંજો લાગ્યો હાથ 

Mysamachar.in-વલસાડ:

ગુજરાતમાં દારૂ તો ઠીક પણ અન્ય નશીલા અને માદક દ્રવ્યોનું ચલણ વધી રહ્યું હોય તેમ છાશવારે અલગ અલગ ડ્રગ્ઝ, ગાંજા, અફીણ સહિતના જ્ત્થાઓ પણ છેલ્લા કેટલાક સમયથી સિલસિલાબંધ રીતે પકડાઈ રહ્યા છે. ત્યારે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી ગાંજાનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એલસીબીની ટીમે એક નવી નક્કોર કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી 250 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. હાલ ઘટનામાં કાર ચાલક ફરાર છે. આ ગાંજો સુરત તરફ જતા હાઇવે પર પકડાયો છે. આ મામલે પોલીસે  40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હાઈવે પર કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં ભગાવી હતી. જેને પગલે એલસીબીની ટીમે હાઈવે પર નવી કારનો પીછો કર્યો હતો અને ફિલ્મી ઢબે તેને ઝડપી પાડી હતી. જોકે, કાર ચાલકને નાસી છૂટવામાં સફળતા મળી હતી. ટીમ દ્વારા નવી નક્કોર કારની તપાસ કરતા કારમાંથી 250 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત અંદાજે 25 લાખ રૂપિયા હોવાનું મનાય છે. હાલ વલસાડ LCBની ટીમે ગાંજો અને કાર સહિત કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.