3 શખ્સો માછલીની એવી વસ્તું વેચવા નિકળ્યાં કે જેની કરોડોમાં કિંમત..

2 પોલીસકર્મીઓની સજાગતા કામ કરી ગઈ 

3 શખ્સો માછલીની એવી વસ્તું વેચવા નિકળ્યાં કે જેની કરોડોમાં કિંમત..

Mysamachar.in-અમદાવાદ:

કરોડોની વ્હેલ અમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓ ઝડપાયા છે ભારતનો 3જો સૌથી મોટો કેસ માત્ર 2 પોલીસકર્મીની સજાગતાથી ઉકેલાયાનો કિસ્સો સામે આવ્યો છે.ગુજરાત પોલીસના રેકોર્ડમાં સૌ પ્રથમવાર વ્હેલ માછલીની ઉલ્ટીની (અંબરગ્રીસ) તસ્કરીનો ગુનો અમદાવાદના આનંદનગર પોલીસે નોંધ્યો છે. જે અંગે આનંદનગર પોલીસે વ્હેલ અંબરગ્રીસના 5 કિલો 350 ગ્રામના જથ્થા સાથે 3 ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. માનવામાં આવી રહયું છે કે આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે 7 કરોડ થાય છે. પોલીસે આ રેકેટના 3 કમિશન એજન્ટની ધરપકડ કરી પરંતુ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ ફરાર છે જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.


પોલીસને બાતમી મળી હતી કે પ્રહલાદનગર દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસે વ્હેલની ઉલ્ટીનો સોદો થવાનો છે. જેના આધારે 3 આરોપીને ગઈ કાલે મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા. આનંદનગર પોલીસની તપાસ દરમિયાન જાણવામાં મળ્યું કે, સુમેર સોની, ખાલિદ ઓફિ, શરીફ છીડાએ વ્હેલ માછલીની ઉલટી લઈને ફરી રહ્યા હતા. તેમની પાસેથી વ્હેલ માછલીની વોમીટ એટલે કે અંબરગ્રીસ મળી આવ્યું હતું. જે અંબરગ્રીસને FSL તથા ફોરેસ્ટ વિભાગ પાસે ખાતરી કરાવી 5 કિલો 350 ગ્રામનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7 કરોડથી વધુની થાય છે. ઉપરાંત પોલીસે ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, ખાલિદ અને શરીફ નામના બંને શખ્સો ભાવનગર અને કેશોદના રહેવાસી છે. તેઓ આ અંબરગ્રીસ લાવ્યા હતા અને રાજસ્થાનના વતની સુમેરની મદદથી તેનું વેચાણ કરવાના હતા. પરંતુ અમદાવાદમાં આ સોદો પુરો થાય તે પહેલા જ પોલીસે તમામની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. મહત્વની વાત એ છે કે સુમેર શાકભાજીના ટ્રેડિંગનુ કામ કરે છે. ઉપરાંત ખાલિદ અને શરીફ છુટક મજુરી કરે છે. જેથી આ 3 માંથી એક પણ આરોપી દરિયાઈ કામ સાથે સંકળાયેલો નથી. માટે વ્હેલ માછલીની અંબરગ્રીસ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ અલગ અલગ છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.વધુ તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો થઇ શકે છે.