લોકોને ઠંડીથી રાહત મળશે પણ હવામાન વિભાગે આગાહી કરી કે...

માછીમારોને દરિયો ના ખેડવા સૂચનાઓ અપાઈ 

લોકોને ઠંડીથી રાહત મળશે પણ હવામાન વિભાગે આગાહી કરી કે...
File Image

My samachar.in : અમદાવાદ

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવે તો નવાઈ નહી...કારણ કે રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની વધુ એક વખત આગાહી કરી છે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે,  હવે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થવા માંડી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડો થશે. હવે લોકોને ઠંડીથી રાહત મળશે. એ ઉપરાંત હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે એ આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે, જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો આ આગાહી સાચી પડે તો આગાહી પ્રમાણે આવતીકાલે 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે, જ્યારે 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.

આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે, જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે, જ્યારે બેટદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકિનારા માટે હવામાન વિભાગે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરી નથી. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.