જામનગરની શારદા હોસ્પીટલમાં દર્દીનું મોત, પરિવારજનોનો આક્ષેપ
શું કહે છે હોસ્પીટલના તબીબ

Mysamachar.in-જામનગર;
જામનગર શહેરની નામાંકિત વી.એમ. શાહની શારદા હોસ્પિટલમાં ગતરાત્રીના હોબાળો એક દર્દીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો કારણ એવું હતું કે ઓપરેશન માટે લઈ ગયેલા આધેડને એનેસ્થેસિયા આપ્યા બાદ ભાનમાં ન આવતા અને તેનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો, શહેરના એસ.ટી. ડેપો સામે આવેલી વી.એમ. શાહની શારદા હોસ્પિટલમાં ગુમડાના ઓપરેશન માટે નુરમામદભાઈ ઈસ્માઈલભાઈ સુંભાણિયા (ઉ.વ.55) ત્રણ દિવસ પહેલા એડમિટ થયા હતા તેમનું બુધવારે બપોરે ઓપરેશન કરવાનું હતું જે દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યે તેમને ઓપરેશન માટે લઈ ગયા બાદ એનેસ્થેસિયા આપતા તેઓ ભાનમાં આવ્યા ન હતા અને તેનું હ્રદય બંધ પડી ગયું હતું આ બનાવ અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરી છે અને આ બાબતે એમએલસી નોંધાવી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.
હોસ્પિટલ તબીબ બચાવમાં કહે છે કે...
આ અંગે શારદા હોસ્પિટલના ડો.રાજેશ સાદિયાએ કહ્યું કે દર્દીને મગજમાં ચેપ લાગેલ હતો, અન કન્ટ્રોલ ડાયાબીટીસ ઉપરાંત લીવરમાં સોજો હતો એ સિવાયની ઘણી તકલીફો હતી, અને દર્દીનું ઓપરેશન થયા બાદ આકસ્મિક રીતે કોઈપણ કારણોસર દવાની અસર અથવા ચેપ લાગેલ હોય શકે અને તેના કારણે તેનું હ્રદય બંધ થઇ ગયું હતું, અને દર્દીની એનેસ્થેસિયા આપતા પહેલા તેની સહમતી લેવામાં આવે છે.