Mysamachar-જામનગર: દેવભૂમિ દ્વારકા:
હાલારના બંને જિલ્લા સહિત રાજ્યભરમા જયારે પણ શાળાઓ શરુ થાય પોતાના બાળકોને સ્કુલે મોકલતા વાલીઓ વિચારે કે તેમના બાળકો જ્યા ભણવા જાય છે તે સ્કુલમાં દરેક પ્રકારે તેમના બાળકોની કોઇ આગ અકસ્માત વગેરે મુદે સલામતી વ્યવસ્થા છે કે નહી અ…રે ત્યા સુધી કે જે સ્કુલવાન કે સ્કુલ રીક્ષા વગેરેમા સલામતી છે? અત્યાર સુધી જે ચાલ્યુ તે પરંતુ હવે જયારે શાળાઓ ખુલવાની છે તો અત્યારે શાળાઓ બંધ છે ત્યારે સંચાલકો પાસે પુરતો સમય છે કે પુરેપુરી વ્યવસ્થા કરાવી શકે છે,(જો ઈચ્છાશક્તિ હોય તો)
ડીસ્ટ્રીક્ટ સ્કુલ સેફટી એડવાઇઝરી કમિટીના એક્સપર્ટના જણાવ્યા મુજબ કુંભકોણમ ( દક્ષીણ ભારત) મા એક સ્કુલમા આગ લાગી અને નેવુ જેટલા ભુલકાઓ ભુ્જાય ગયા હચમચાવી નાંખે તેવી આ દુર્ઘટના બાદ જુદા-જુદા રાજ્યોમા સ્કુલ સેફટી માટે એલર્ટ થયા જોકે આમ તો નિયમો હતા પરંતુ સલામતીના દ્રષ્ટીકોણ થી ડીઝાસ્ટર મેનેજમેન્ટની તેમાં જોગવાઇઓ એડ કરાવી છે ત્યારે જામનગરના તત્કાલીન કલેક્ટર ટી.નટરાજનના સમયમાં તેમણે ખાસ કમીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ હેઠળ બનાવી તેના દ્વારા શાળાઓની સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરવા સુચનાઓ આપી હતી.
બીજી તરફ વર્ષ 2009મા સચિવ દ્વારા બહાર પાડવામા આવેલા આદેશોનો મુખ્ય આધાર એ હતો કે સુપ્રિમકોર્ટમા શાળામા સલામતી અંગે રીટ થયેલી અને સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતુ કે શાળામા શિક્ષણમેળવવા સાથે સલામતીનો અધીકાર વિદ્યાર્થીઓને છે માટે સચિવે તમામ સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ (ખાનગી) શાળાઓમા સલામતી માટેની તમામ વ્યવસ્થા કોઇપણ જાતના બાંધછોડ કર્યા વગર કરાવવા તાકીદ કરી છે જેમાં બોર્ડના નિયમ મુજબની સુવિધા તેમજ સેફટી પોઇન્ટ વ્યુ થી બધી જ બાબતો આવરી લેવાઇ છે જેનો અમલ જિલ્લાના શિક્ષણ તંત્રએ કરાવવાનો છે,
શિક્ષણ વિભાગના આદેશથી જીલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે સર્વેની કાર્યવાહી શરૂ તો કરી હતી પરંતુ તે દરેક શાળાઓની તપાસ કાર્યવાહી પુરી થઇ શકી નથી,બીજી બાજુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર જામનગર જીલ્લાશિક્ષણાધિકારી કચેરી ધ્વારા 61 મૂદાનું ચેકલીસ્ટ બનાવી શહેરની ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી પણ…….
-સ્કુલ સેફટી અને વ્યવસ્થાની ફરજીયાત જોગવાઇઓ
સ્કુલ સેફટી અંગે સરકારે જે મુદાઓની અમલવારી ફરજીયાત કરાવી છે, તેમા ફાયર સેફટીના સાધનો અને તે ચલાવાની તાલીમ, પહોળીસીડી, હવાઉજાસ વાળા વર્ગખંડ, વાહન પાર્કિંગની પુરતી જગ્યા, ઈલેક્ટ્રીસીટી વ્યવસ્થીત સાથે પીસીબી સ્વીચ વગેરે ઉપરાંત ચેકલીસ્ટમાં શાળાનું નામ, સરનામું, સ્થાપનાનું વર્ષ, શાળા માલિકીની છે કે ભાડાની જગ્યામા બેસે છે,શાળાના બીલ્ડીંગની સલામતીનુ સ્ટ્રક્ચર એન્જીનિયરનુ પ્રમાણપત્ર છે કે કેમ, શાળા કેટલા માળના બિલ્ડીંગમાં ચાલે છે, શાળા પાસે બિલ્ડીંગ વપરાશનું અને કમ્પ્લીશનનુ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે કે કેમ, જો હોયતો કઈ તારીખ અને તે અધિકારી કોણ છે,
તેમજ ઉતરવા માટેની સીડી લાકડાની, લોખંડની કે સિમેન્ટની કે અન્ય કોઈ મટીરીયલની છે, એકથી વધુ માળ હોય તો ઉતરવા માટેની સીડી કેટલી છે. એક તરફ જ છે. બેતરફથી ઉતરી શકાય તેવી કોઈ બીજી સીડી છે, શાળામાં ફાયર સેફટીની સુવિધા છે. જો હોય તો ફાયર એકસ્ટીગયુશર, ફાયરહોસ મોટા રબરના પટ્ટા જેવું કે ફુવારા ટાઇપ સીસ્ટમ છે કે નહી, શાળામાં ફાયર સેફટીની સુવિધા બધા માળ પર છે કે નહી, ફાયરની સુવિધા છે. તો બધા માળ પર કેટલા ફાયર એકસ્ટીગયુશર છે, ફાયર એકસ્ટીગ્યુશર છેલ્લે ક્યારે રીફીલ કરવ્યા છે,
જો ફાયર એકસ્ટીગયુશર રીફીલ નથી કરાવ્યા તો કારણ શું છે, શાળાએ ફાયરનું એનઓસી લીધું છે કે નહિ, શાળામાં ભોયતળિયાથી છેલ્લા માળ સુધી કેટલા વર્ગખંડ છે. શાળામાં ડોમ બનાવ્યા છે જો હોય તો મંજુરી લીધી છે. ડોમમાં વર્ગ ચાલેછે કે કેમ, કેટલા વર્ગો ચાલે છે, અને કેટલા વિધાર્થી બેસે છે. શાળામાં ભોયરું છે અને જો હોય તો ક્યાં હેતુ માટે અને ઉપયોગ શેના માટે થાય છે. ભોયરા માટે સક્ષમ અધિકારીની મંજુરી લીધી છે કે નહી, શાળા પાસે વિધાર્થીને લાવવા લઇ જવા માટે પોતાનું વાહન છે, જો હા તો કયું વાહન છે. કેટલા વાહનો છે. વાહન માટે આરટીઓની મંજુરી લીધી છે કે નહી, એક વાહનમાં કેટલાવિધાર્થી બેસાડવાની ક્ષમતા છે. અને કેટલા બેસાડાય છે,
શાળા પાસે વાહન ન હોય તો કેટલા વિધાર્થી ખાનગી વાહનમાં આવે છે. જેમાં ઓટો રીક્ષા, બસ, વાન વગેરે કેટલા વાહનો આવે છે. તેના ચાલકના નામ, નંબર અને સરનામું શાળા પાસે છે કે નહી ખાનગી વાહનોનું લીસ્ટ આરટીઓમાં આપવામાં આવ્યું છે કે નહી, શાળાએ ખાનગી ટુવ્હીલર લઈને આવતા વિધાર્થીઓ પાસે લાયસન્સ છે કે નથી, શાળાએ વિધાર્થીઓને વાહન લઈને આવવાની મંજુરી આપી છે કે કેમ, , શાળા પાસે પુરતુ પાર્કિંગ છે કે કેમ અને તેમા કેટલા વાહન સમાય શકે તેમ છે,
પીવાના શુદ્ધ પાણી તેમજ ટોયલેટ છે કે કેમ, શાળા પાસે પોતાની માલિકીનુ રમતગમતનુ મેદાન છે કે નહી, લાયબ્રેરી છે કે કેમ, સાયન્સ પ્રવાહ માટે પુરતી સજ્જ લેબોરેટરી છે કે નહી, શાળાની નજીક વીજ ટ્રાન્સફોર્મર આવ્યું છે જો હા તો કેટલું નજીક છે, અંતર કે ઉંચાઈ જણાવવી, શાળામાં ઈલેક્ટ્રીસીટી ફીટીંગ યોગ્ય રીતે કર્યું છે. શોકસર્કિટ બચવા એમસીબી સ્વીચ છે કે નહી,ખુલ્લું વાયરીંગ છે કે કેમ પ્રાથમિક સારવાની કીટ છે કે નહી,શાળાના બિલ્ડીંગ કે વર્ગખંડ ઉપરથી હાઈવોલ્ટેજ વીજલાઈન પસાર થાય છે.હા તો કેટલી ઉંચાઈ અને અંતર કેટલું છે.
શાળામાં દીવાલો પર વરસાદ વખતે ભેજ આવે છે કે નહી, શાળાના તમામ શિક્ષકોએ આપતી વ્યવસ્થાપનની તાલીમ લીધી છે કે નહી,શાળામા કીચન કે તેવો ભાગ છે જ્યા ગેસ સીલીન્ડર ને ચુલો હોય જ્યા ચા કોફી બનાવાતા હોય ક્યાય શાળામા જ મધ્યાહન ભોજન જો બનતા હોય તો આ ગેસ સલામતીની કઇ વ્યવસ્થા છે વગેરે મુદાઓ ચકાસી જે વ્યવસ્થા ન હોઇ તે સાત દિવસમા પુરી કરવાની રહે છે જે અંગે નોટીસ આપવાની ખુલાસો માંગવાની દંડ કરવાની શાળાની મંજુરી સસ્પેન્ડ કરવા સુધીની જોગવાઇઓ તંત્ર પાસે છે,
-જુજ શાળાઓને બાદ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ જોયેલી અનેક ખામીઓ
ઘણી શાળામા પીવાનુ ચોખ્ખુ ફીલ્ટર્ડ પાણી આખો દિવસ મળી રહે તેવી સુવિધા નથી, પુરતા ટોયલેટ બાથરૂમ નથી, પુરતા પાર્કીંગ નથી, સીડીઓ પહોળી અને મજબુત નથી તેમજ બે સીડી નથી, તો વળી ચડતા કે ઉતરતા ધક્કા મુકી પણ થાય છે, ફાયર સેફટી પુરતી નથી જ્યા છે ત્યા તાલીમ લીધેલ સ્ટાફ નથી, શાળામા ફર્સ્ટ એઇડ બોક્સ નથી, શાળામા ચોમાસામા ભેજ અને પાણી ઉતરે છે, ઇલેક્ટ્રીક ફીટીંગ પુરેપુરૂ સલામત નથી, જો ચા કોફી કે નાસ્તો કે રસોઇ બનાવવા કીચન જેવી વ્યવસ્થા હોય તો ગેસ સીલીન્ડરથી સલામતી જોખમાય નહી તેની કાળજી નથી, શાળાઓની પાસે જ વીજ થાંભલા ખાડા ખુલ્લા ટાંકા લટકતા વાયર વગેરે છે,
રમતગમતના મેદાન લાયબ્રેરી કે પ્રયોગશાળાઓની પણપુરતી વ્યવસ્થાઓ નથી, સ્કુલવેન કે રીક્ષા ચાલકના વાહન ફીટનેસ તેની ચલાવાની ગતિ ચલાવનારના લાયસન્સ માન્ય ગેસકીટ વગેરે બાબતે કોઇ ગંભીરતા જ નથી લેવાતી તો વળી શાળામા અંદર આવવા જવા માટે પહોળા દરવાજા તેમજ હવા ઉજાસવાળા તેમજ સાફસફાઇવાળા રૂમ નથી સીડીઓ સાંકડી છે કે નબળી હોય છે આવી તો અનેક બાબતોની ખામી ઘણી શાળાઓમા હોવાનુ વિદ્યાર્થીઓ પાસેથી તેમજ વાલીઓ પાસેથી જાણવા મળ્યુ છે.
હા એ પણ ખરૂ છે શહેર તેમજ જિલ્લામા જુજ શાળાઓ એકંદર વીસ ટકા જેટલી શાળાઓમા સરકારની જોગવાઇઓ મુજબની મોટાભાગની વ્યવસ્થાઓ તેમજ ઘણીખરી સલામતીની વ્યવસ્થા છે તેમજ આદર્શ કહી શકાય તે રીતે શિક્ષણ રમત ગમત ઇતર પ્રવૃતિઓની વ્યવસ્થાઓ પણ છે પરંતુ દરેક શાળાઓમા આવી વ્યવસ્થાઓ નથી જે ખરેખર હોવી જરૂરી છે અને નથી તો અમલ કરાવવો ફરજીયાત છે તેમ શિક્ષણ વિભાગની તાકીદ છે.