બંધ કંપનીમાં માલિકે ચાલ્યું કર્યું જુગારધામ પણ પોલીસને આવી ગઈ ગંધ...

વેપારીઓ સહિતના લાખોની મતા સાથે ઝડપાયા

બંધ કંપનીમાં માલિકે ચાલ્યું કર્યું જુગારધામ પણ પોલીસને આવી ગઈ ગંધ...
symbolic image

Mysamachar.in-વલસાડ

હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે, ત્યારે કેટલાય જુગારીઓ જે મોટી મોટી ગેમમાં હાથ અજમાવતા હોય છે, એવામાં જો પોલીસને ગંધ આવી જાય તો દરોડા પણ થાય અન્યથા બધું ચાલ્યું જાય છે, ગતરાત્રીના વાપી જીઆઇડીસીની એક કંપનીમાં જુગાર રમાડતા સંચાલક સહિત 8 લોકોની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડા,મોબાઇલ અને વાહનો મળી કુલ રૂ.41.76 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી જીઆઇડીસી પોલીસને શનિવારે બાતમી મળી હતી કે, સેકન્ડ ફેસની એક કંપનીની ઓફિસમાં લોકો જુગાર રમી રહ્યા છે.

જેથી તાત્કાલિક સેકન્ડ ફેસ સ્થિત પ્લોટ નંબર 136-એલમાં આવેલ પ્રિટેક કન્ટ્રોલ્સ કંપનીના બીજા માળે ઓફિસમાં રેઇડ કરતા 8 લોકો હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસ પૂછપરછમાં કંપનીનો સંચાલક પુનમચંદ પંચાલ પોતે જુગાર રમાડતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી સંચાલક સહિત 8 નબીરાઓની ધરપકડ કરી તેમની પાસેથી દાવ ઉપરના રોકડા રૂ.25,500 તથા અંગઝડતીમાંથી રૂ.3.24 લાખ, મોબાઇલ નંગ-8 કિં.રૂ.37000 અને 5 વાહન કિં.રૂ.37.90 લાખ મળી કુલ રૂ.41,76,500નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.