એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત

ગામ લોકો પણ શોકમાં ગરકાવ

એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત
symbolic image

Mysamachar.in-નવસારી

નવસારીના વાંસદા જિલ્લાના મોળાઆંબા ગામે પરિવારના ત્રણ સભ્યોનો સામુહિક આત્મહત્યાનો બનાવ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. નવસારીના વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલ વૃક્ષ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મોળાઆંબા ગામના યુવાનને કોરોના થયો હતો. જેની સારવારમાં તેઓ બચી પણ ગયા, જો કે તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. જેથી કંટાળીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જો કે માતા-પિતાએ તેને બચાવી લીધો હતો અને તે કોઈ ખોટું પગલું ન ભરે તેની તકેદારી રાખતા હતા. જોકે, પરિવારને નજર ચૂકવીને યુવાને આત્મહત્યા કરી લીધી. લાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. યુવાન અને તેના માતા-પિતાએ આત્મહત્યા કરી લેતા 3 વર્ષની ફૂલ જેવી દીકરી પિતા અને દાદા-દાદી વિનાની થઈ ગઈ છે.