Mysamachar.in-અમદાવાદ
આમ તો આપને ત્યાં પાડોશીને પહેલો સગો માનવામાં આવે છે, પણ આવા પાડોશીમાં કોઈ કોઈ વિકૃત વિચાર ધરાવતા વ્યક્તિ રહેતા હોય તો….અમદાવાદ શહેરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં નિર્ણયનગરમાં યુવતી ઘરની બહાર કામ કરતી હોય ત્યારે પાડોશમાં રહેતો યુવક તેના ફોટો અને વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લેતો હતો. જ્યારે ટોયલેટ કે વોશરૂમ જાય ત્યારે યુવતીના ઘર બાજુ ફરી દરવાજો ખુલ્લો રાખી પોતાના કપડાં ઉતારતો હતો. યુવક બીભત્સ હરકતો કરતા હોવાનો આક્ષેપ યુવતીએ ફરિયાદમાં કર્યો છે. એટલું જ નહી, આ યુવતીનો ડિવોર્સ કેસ ચાલતો હોવાથી પાડોશી વ્યક્તિ અવારનવાર યુવતીનો પતિ સાથે નથી રહેતો તેમ છતાં પણ શરીર અને પેટ કેવી રીતે વધી ગયું છે તેમ કહી અપમાન કરતો હોવાથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નિર્ણયનગરમાં રહેતી 25 વર્ષીય યુવતીના ડિવોર્સનો કેસ ચાલતો હોવાથી એકલી રહે છે. છેલ્લા એક વર્ષથી તેના પાડોશી તેની સાથે અભદ્ર વર્તન કરે છે અને અવારનવાર ધારી-ધારીને તેને ખરાબ નજરથી જુએ છે. તેમજ અવારનવાર તેના મોબાઇલમાં આ યુવતીના ફોટો પાડે છે અને વીડિયો ઉતારે છે. જ્યારે આ યુવતી ઘરમાં કામ કરતી હોય ત્યારે તેના ઘરની આગળ પાછળ છુપાઈને તે જોયા કરે છે. યુવતી તેના ઘરની બહારના ભાગ જગ્યા ધોતી હતી, તે વખતે તેના પાડોશમાં રહેતા વ્યક્તિ ઘરની બહાર આવીને તેના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરતો હતો. જે યુવતી જોઈ જતા તેને કહ્યું હતું કે, બીજો કોઈ વીડિયો ઉતારવા હોય તો મારો મોબાઇલ પણ આપુ એમ કહેતા આ વ્યક્તિ ઘરની અંદર જતા રહ્યો હતો અને કંઈ બોલ્યા નહોતા.
ત્યારબાદ રાત્રે જ્યારે આ યુવતી તેના રૂમમાં મોબાઈલમાં કંઈ જોતી હતી તે વખતે ઘરની પાછળની બારી પાસે પાડોશી વ્યક્તિ અંધારામાં ઊભા રહી તેને જોતો હતો. જ્યારે આ યુવતીને ખબર પડી ત્યારે રેલિંગ કૂદીને આ વ્યક્તિને જોવા ગઈ હતી પરંતુ ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. આ પ્રકારની અભદ્ર વાતો કરતાં ધમકીઓ આપતા યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી પોલીસ બોલાવી હતી. જેથી આ યુવતીને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.