Mysamachar.in-જામનગર:
જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી હોસ્પીટલ આવેલ છે, પણ આ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ કથળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે,જ્યાં દર્દીઓની તપાસ માટે જરૂરી એવું MRI મશીન અંદાજે એક વર્ષથી તો એક્સ રે મશીનો છેલ્લા એક માસ જેટલા સમયગાળાથી પ્લેટને અભાવે બંધ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે બહારથી આવતા દર્દીઓ અને સ્થાનિક દર્દીઓને પરેશાનીનો પાર નથી જામનગરમાં આવેલ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જીજી હોસ્પિટલ…કહેવાથી આ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે પણ આ હોસ્પિટલમાં કેટલીય સુવિધાઓનો અભાવ છે જેનાથી દર્દીઓ ત્રાહિમામ છે, દિવસે ને દિવસે હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ કથળી રહી છે,
એવામાં જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે અંદાજે છેલ્લા એક વર્ષ જેટલા સમયગાળાથી અહી આવેલ MRI મશીન બંધ છે, સોફ્ટવેર કામ ના કરતો હોવાથી MRI મશીન બંધ થયું હોવાનું જાણવા મળે છે, અને છેલ્લા કેટલાય સમયથી MRI મશીન રૂમ પર તાળા લટકી રહ્યા છે, અને તેનો પુરાવો દરવાજા પર બાજેલી ધૂળ આપી રહી છે, આ થઇ MRI મશીનની વાત MRI મશીનની જેમ જ હોસ્પીટલમાં આવેલ એક્સ રે મશીનો પણ પ્લેટના અભાવે છેલ્લા એક માસથી બંધ હોવાનું જાણવા મળે છે, મોટા એક્સ રે મશીન પણ પ્લેટોના અભાવે એક માસ જેટલા સમયથી બંધ હોવાથી માત્ર પોર્ટેબલ એક્સ રે મશીનો જે ચાલુ છે એકસ-રે પ્લેટનો પણ છેલ્લા ઘણાં સમયથી અભાવ છે. જયારે ડીજીટલ એકસ-રે આપવાને બદલે ડોકટરને મોબાઇલ ફોનમાં કે કાગળની પ્રિન્ટમાં એકસ-રે આપવામાં આવી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે.
તો MRI અને એક્સ રે મશીનો બંધ હોવા પર હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો.અજય તન્ના સાથે વાત કરવામાં આવી ત્યારે તેવાઓએ પણ સોફ્ટવેરના કારણે MRI મશીન બંધ હોવાનું જણાવી ચોક્કસ સરકારી યોજનાઓનું કાર્ડ ધરાવતા દર્દીઓ માટે ખાનગી MRI સેન્ટરમાં MRIની જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે સુવિધા કરવામાં આવી હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે.અને નવા MRI મશીન લેવા માટેની પ્રક્રિયા ગાંધીનગર આરોગ્ય વિભાગ ખાતેથી ચાલી રહી હોવાનું તેમને જણાવ્યું અને કહ્યું કે જામનગર હોસ્પીટલમાં ઝડપથી નવું MRI મશીન સરકાર આપશે તેવી આશા છે,
વધુમાં તેવોએ એક્સ રે પ્લેટની ડીમાંડ કરી દેવામાં આવી છે તે આવ્યેથી એક્સરે મશીનો પણ પૂર્વવત થઇ જશે તેમ જણાવ્યું હતું આમ રાજ્યનો આરોગ્ય વિભાગ મસમોટા દાવાઓ તો સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓને લઈને કરે છે પણ ખરેખર જમીની વાસ્તવિકતા શું છે તે જાણવાનો પ્રયાસ ક્યારેય કોઈ કરતુ નથી અને કદાચ એટલે જે સરકારી હોસ્પિટલોમાં પહોચેલા દર્દીઓને આમ થી તેમ થવા સિવાય કોઈ બીજો વિકલ્પ રહેતો નથી તે વાસ્તવિકતા છે,
-ખાનગીમાં MRI સેન્ટરો પર બે ત્રણ દિવસના વેઈટીગ…
ચાલો માની લઈએ કે દર્દીઓ મોંઘોદાટ MRI રીપોર્ટ કરાવવા ખાનગીમાં જાય પણ ખરા….પણ જાણવા મળે છે તે મુજબ ખાનગીમાં પણ માત્ર બે જ સ્થળોએ MRI મશીન હોય અને MRI કરાવનાર દર્દીઓની સંખ્યા મોટી હોય ત્યારે દર્દીઓને બે ત્રણ દિવસનું વેઈટીગ મળ્યા બાદ તેનો MRI થાય છે તેવું જાણવા મળે છે,