Mysamachar.in:જામનગર
ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં ગજબ હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ફૂંકાતા તેજ અને ઠંડા પવનોને કારણે ગુજરાતમાં પણ રવિવાર રાત્રિથી જાણે કે, કોલ્ડવેવનો આરંભ થયો છે. અને, આ વેવની અસર જામનગરમાં પણ જોવા મળી. આ સિઝનમાં પ્રથમ વખત ઠંડીનો આંકડો સિંગલ ડિજિટમાં નોંધાયો. જામનગરમાં કાલે રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન સડસડાટ નીચું ઉતરી 7.5 નોંધાયું દિવસે મહત્તમ તાપમાન વધીને 23.5 થવા પામ્યું હતું. રવિવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા જેવું રહેતાં, સૂકાં પવનનો જો કે માર પડ્યો ન હતો. સાથે સાથે પવન પણ સાવ નહિંવત 2.4 કિમી પ્રતિ કલાક રહ્યો હતો.
રવિવારે મોડી રાત્રે જો કે સમગ્ર રાજ્યમાં ઉત્તરીય કોલ્ડવેવની અસર વર્તાઈ હતી. અમદાવાદમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી અંદર રહ્યું. રાજકોટ ખાતે 7.5 નોંધાયું. અને, કચ્છનું નલિયા વધુ એક વખત રાજ્યનો સૌથી ઠંડો ઈલાકો બની ગયો ! જ્યાં લઘુત્તમ તાપમાન સડસડાટ ગગડીને 1.4 ડિગ્રી થઈ જતાં નલિયાવાસીઓ સહિતના કચ્છીઓ ધ્રૂજી ઉઠયા હતાં.