હોસ્પિટલમાં દાખલ ન હોય, તેવાં કિસ્સાઓમાં પણ મેડીકલેઈમ નકારી ન શકાય : ફોરમ

વડોદરા ગ્રાહક ફોરમે આપ્યો મહત્વનો ચુકાદો....

હોસ્પિટલમાં દાખલ ન હોય, તેવાં કિસ્સાઓમાં પણ મેડીકલેઈમ નકારી ન શકાય : ફોરમ
Symbolic image

Mysamachar.in:વડોદરા

મેડીકલ વીમા ક્ષેત્રે કામ કરી રહેલી કંપનીઓ કલેઈમનાં ઘણાં કિસ્સાઓમાં વીમાધારકોને ખૂબ જ પરેશાન કરતી હોય છે. પોતાની જવાબદારીઓથી છટકવા પ્રયાસો કરતી આ પ્રકારની કંપનીઓને અસર કરે તેવો એક મહત્વનો ચુકાદો ગ્રાહક ફોરમે આપ્યો છે. ગ્રાહક ફોરમે આ કેસમાં જણાવ્યું છે કે, મેડી કલેઈમ માટે દર્દીનું હોસ્પિટલમાં દાખલ હોવું જરૂરી નથી. ફોરમે હાલની સારવાર પદ્ધતિઓ અને દવાઓનો પણ આ ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો. વડોદરા ગ્રાહક ફોરમે આ કેસમાં કહ્યું છે કે, કોઈ દર્દી ચોવીસ કલાક કરતાં ઓછાં સમય માટે હોસ્પિટલમાં એડમિટ રહ્યું હોય, તે દર્દીનાં કિસ્સામાં પણ મેડીકલેઈમ કરી શકાય છે.

આ કેસમાં ફોરમે વીમાકંપનીને કલેઈમ ચૂકવી આપવા આદેશ કર્યો છે અને જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી - સારવાર પધ્ધતિઓ અને દવાઓને કારણે દર્દીને હોસ્પિટલમાં વધુ સમય દાખલ રાખ્યા વિના પણ સારવાર કરી શકાય છે. વડોદરાનાં રહેવાસી રમેશચંદ્ર જોષીની અરજીનાં અનુસંધાને ગ્રાહક ફોરમે આ આદેશ આપ્યો છે. અરજદારે છ વર્ષ પહેલાં નેશનલ વીમા કંપની વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. કંપનીએ કલેઈમની રકમ ચૂકવવા ઈન્કાર કર્યો હતો. બાદમાં આ મામલો ગ્રાહક ફોરમમાં પહોંચ્યો હતો. અરજદારના પત્નીને એક બિમારી સબબ બહુ ઓછાં કલાકો માટે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેથી વીમા કંપનીએ કલેઈમની રકમ ચૂકવવા ઈન્કાર કર્યો હતો.