ઈન્સ્ટાગ્રામ પરથી અવળે પાટે ચાલ્યા ગયા, એક વીડિયો જોઈને બનાવી નાંખ્યા આવો ખતરનાક પ્લાન

જ્વેલર્સમાં રૂ.1.40 લાખની 30 ગ્રામની 3 સોનાની ચેઇનની લૂંટ કરી હતી

ઈન્સ્ટાગ્રામ પરથી અવળે પાટે ચાલ્યા ગયા, એક વીડિયો જોઈને બનાવી નાંખ્યા આવો ખતરનાક પ્લાન

Mysamacharin-વડોદરા

મહાનગર વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વલર્સના માલિકની આંખમાં મરચાની ભૂક્કી નાંખી લૂંટ કરવામાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાંચે આ કેસના આરોપીને પકડી પાડ્યા છે. આ ચારેયએ રૂ.1.40 લાખની 30 ગ્રામની ત્રણ ચેઈન લૂંટી લીધી હતી. વડાદરા ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં આ કેસ ઉકેલી નાંખ્યો છે. લૂંટ ચલાવીને ફરાર થનારા ચારેય શખ્સોમાં બે લૂંટારા છે. જ્યારે બે સાગરિતો છે. પોલીસે ગોલ્ડન ચોકડી વિસ્તાર પાસેથી એમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ બનાવમાં પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે મુખ્ય સુત્રધારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોઈને આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે કુલ 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખોડિયારનગર વિસ્તારમાં શ્રીજી પ્લાઝામાંથી બુધવારે બપોરના સમયે આ ઘટના બની હતી. માલિક રોનક સોની ગ્રાહકોને ચેઈન દેખાડી રહ્યા હતા. એ દરમિયાન એક શખ્સ દુકાનમાં આવ્યો અને માલિકની આંખમાં મરચાની ભુક્કી નાંખી દીધી હતી. પછી ત્રણ ચેઈન લૂંટી લીધી હતી. ત્યાર બાદ ચારેય ફરાર થઈ ગયા હતા. આ અંગે બાપોદ પોલીસે ગુનો નોંધને તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડ્યો હતો. પછી તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગોલ્ડન ચોક્ડી પાસે ચાર વ્યક્તિ શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળતા પોલીસે પકડી પાડ્યા હતા. જેની તપાસ કરતા એની પાસેથી ત્રણ સોનાની ચેઈન મળી હતી. પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા લૂંટ ચલાવી હોવાનું જણાવ્યું હતું. આમ તેણે ગુનો કબુલી લીધો હતો. વડોદરા ક્રાઈમ બ્રાંચે આ કેસ ઉકેલીને ચારેય સામે કાયદાકીય પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મુખ્ય સુત્રધાર પિન્કેશ પરમારે ઈન્સ્ટાગ્રામ પર લૂંટની એક સ્ટોરી જોઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિની મદદ લઈ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પિન્કેશ બાહર ઊભો હતો જ્યારે બાકીના ત્રણ અંદર લૂંટ કરવા ગયા હતા. આ કેસમાં સાગરીત અક્ષિત ચાવડા, મંયક પરમાર અને કૌસ્તુભ કિનેકર સંકળાયેલા હતા.