જાણો નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિષે

ધાર્યું ધણીનું જ થાય...એ તમામ વિગતો જે તમે જાણવા ઈચ્છો છો

જાણો નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિષે

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાતના મુખ્યમંત્રીનું નામ આખરે જાહેર કરી દેવાયુ છે. અને ભાજપ દ્વારા તેની પદ્ધતિ મુજબ જે નામની ક્યાય ચર્ચા જ નહોતી તેવું નામ કોથળામાંથી કાઢતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, અને ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીઆર પાટીલે અને નીતિન પટેલ રેસમાં હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સુકાન સોંપાયુ છે. જોકે, સતત ત્રીજીવાર સીએમ પદમાં નીતિન પટેલનું પત્તુ કપાયુ છે.

પહેલા મુખ્યમંત્રીના રેસમાં બે નામ હતા. જેમાં પાછળથી આરસી ફળદુનું નામ પણ સામેલ થયુ હતું. કોર કમિટીની બેઠકની શરૂઆતમાં જ આરસી ફળદુનુ નામ ચર્ચામાં અચાનક આવ્યુ હતું. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે અચાનક જ ભૂપેન્દ્ર પટેલનુ નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કોર કમિટીની બેઠક બાદ ભારે મનોમંથન કરાયુ હતું, અને આખરે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી હતી. આ નામ ક્યાંય ચર્ચામાં ન હતું, ક્યાંત વાતમાં ન હતું.

કોણ છે ભુપેન્દ્ર પટેલ તેના પર નજર કરીએ તો ભુપેન્દ્ર પટેલ દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ.