ખંભાળિયાના સોનારડી ગામે ઓરડીમાં છુપાવેલ દારૂનો જંગી જથ્થા સાથે LCBએ 2 શખ્સોને ઝડપી પાડ્યા
થર્ટી ફર્સ્ટ મનાવવા ઈચ્છતા જિલ્લાના પ્યાસીઓ માટે બેડ ન્યુઝ

Mysamachar.in- દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટના તહેવાર નિમિત્તે બૂટલેગરો સક્રિય થઈ, પ્યાસીઓ માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવતાં આવા શખ્સોના મનસૂબા પર જિલ્લાની એલ.સી.બી.એ પાણી રેડી દીધું છે. ખંભાળિયાના સોનારડી, સલાયા અને ખીરસરા ગામે પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં કુલ 2,392 બોટલ પરપ્રાંતીય શરાબના જથ્થા સાથે ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં અન્ય આઠ શખ્સોના નામ પણ જાહેર થયા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશી દારૂ સામે કડક રીતે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી. દ્વારા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે...
ખંભાળિયા-દ્વારકા રોડ ઉપર સોનારડી ગામની સીમમાં કનકસિંહ ભીખુભા જાડેજા તથા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના બે બંધુઓની કબજા ભોગવટાની વાડીમાં એલ.સી.બી. સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળે બંને શખ્સો દ્વારા એક ઓરડીમાં છુપાવેલી છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની પેટીનો વિશાળ જથ્થો સાંપડયો હતો. જેની ગણતરીમાં રૂપિયા 9,20,400 ની કિંમતની 2,301 બોટલ દારૂ આ સ્થળે હોવાથી પોલીસે કનકસિંહ ભીખુભા જાડેજા તથા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના બંને શખ્સોની પ્રોહીબીશન એક્ટ મુજબ અટકાયત કરી, રૂ. 9,20,400 ની કિંમતના પરપ્રાંતિય શરાબ તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા રૂપિયા 25 હજારની કિંમતના એક મોટરસાયકલ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 9,50,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂનો આ જથ્થો ઉપરોક્ત બંને શખ્સોએ અન્ય બે શખ્સો એવા રાણ ગામના ગઢવી જોધા ભીખા શાખરા, અને સાજા દેવાણંદ શાખરા નામના અન્ય બે શખ્સોની ભાગીદારીમાં મળી ઉપરોક્ત ચારેય શખ્સોએ આ દારૂ મંગાવ્યો હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત આ પ્રકરણમાં સોનારડી ગામના દિલીપસિંહ ભીખુભા જાડેજા, ખંભાળિયાના આસપાલ શાખરા તથા રાણ ગામના ચંદુ સાજા શાખરા ગામના શખ્સોના નામ પણ જાહેર થયા છે. જેથી પોલીસે વિદેશી દારૂના સપ્લાય તથા મદદગારી સબબ અન્ય પાંચ શખ્સોને હાલ ફરાર ગણી, તેઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, કનકસિંહ તથા જુવાનસિંહની અટકાયત કરી હતી.,
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી.ગળચર, પી.એસ.આઈ.પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, નરસિંહભાઈ સોનગરા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.