આજથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો  રાજ્યવ્યાપી પ્રારંભ, કઈ પ્રકારના થશે કામો વાંચો

સમગ્ર અભિયાનથી આ વર્ષે વધુ 20 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે

આજથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો  રાજ્યવ્યાપી પ્રારંભ, કઈ પ્રકારના થશે કામો વાંચો
file image

Mysamachar.in-ગાંધીનગર

મુખ્યમંત્રી વિજયરૂપાણી ગુજરાતને પાણીદાર-વોટર સરપ્લસ સ્ટેટ બનાવી જળ સમૃદ્ધ ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો આજે તા.1 એપ્રિલ-2021 થી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી શરૂ કરાવ્યો, સમગ્ર રાજ્યમાં આ અભિયાન આગામી તા.31મી મે સુધી હાથ ધરાવાનું છે. આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી હાથ ધરાનારા આ ચોથા તબક્કાના સુજલામ સુફલામ જળ અભિયાનના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી આ અભિયાનનો પ્રારંભ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામના તળાવને લોકભાગીદારીથી ઊંડા ઉતારવાની કામગીરીથી કરાવવાના છે. આ તળાવ ઊંડું થવાને પરિણામે 10 લાખ ઘનફૂટ પાણી તળાવમાં ભરાવાની સંગ્રહ ક્ષમતા થશે સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા ચરણ દરમ્યાન લોકભાગીદારીથી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઊદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાજ્ય સરકારના જાહેર સાહસો વગેરેના સહયોગથી કુલ રૂ. 48,564 લાખના ખર્ચે 18,582 જળસંચય કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોને પરિણામે અંદાજે 20 હજાર લાખ ઘનફૂટ જથ્થાનો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે.

આ બધા કામો માટે આશરે 4500 થી વધુ એક્ષેવેટર અને 15000થી વધુ ટ્રેકટર-ડમ્પર ઉપયોગમાં લેવાશે. સુજલામ સુફલામ જળ અભિયાનના આ વર્ષના જે 18582 કામોનું આયોજન જળસંપતિ વિભાગે હાથ ધર્યુ છે તેમાં લોકભાગીદારીથી 6323 તળાવો, ચેકડેમ, જળાશયો, ઊંડા ઉતારવા ડીસીલ્ટીંગ કરવાની કામગીરી કરાશે. આ હેતુસર 60 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 40 ટકા સ્વૈચ્છીક સંસ્થા કે દાતાઓ ઉપાડશે. એટલું જ નહિ, મનરેગા યોજના અંતર્ગત 6681 તળાવો અને ચેકડેમ ઊંડા કરવા તેમજ પરંપરાગત જળસ્ત્રોતોના નવિનીકરણ કામો, માટીપાળા-ખેતતલાવડીના કામો થકી અંદાજે 60 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન કરવાનું પણ માઇક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત 5578 કામો વિભાગીય રીતે હાથ ધરીને ચેકડેમ રીપેરીંગ, નહેરો તથા કાંસની સફાઇ જેવા કામો પણ સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત સંબંધિત વિભાગોના પ્રવર્તમાન નિયમો મુજબ હાથ ધરાવાના છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2018ના વર્ષથી રાજ્યમાં શરૂ કરાવેલા આ જળ સમૃદ્ધિ અભિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે છેલ્લા 3 વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં 16,170 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, 8107 ચેકડેમ અને ૪૬ર જળાશયોના ડિસીલ્ટીંગ, 2239 ચેકડેમના રિપેરીંગ, 568 નવા તળાવોનું નિર્માણ અને 1079 નવા ચેક ડેમ મળીને સમગ્રતયા 41,488 કામો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 38,323 કિ.મી. લંબાઇમાં નહેરોની અને 5113 કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 42,064 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. મુખ્યમંત્રીએ 2020ના વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આ જળસંગ્રહ અભિયાન માટે રાજ્ય સરકારના તંત્રને પ્રોત્સાહિત કરતાં તા.20 એપ્રિલ-2020થી તા.10 જૂન-2020 સુધીના માત્ર 51 દિવસના ટુંકાગાળામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં 11,072 કામો લોકભાગીદારીથી અને મનરેગા હેઠળ હાથ ધરી 30 લાખથી વધારે માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી.

સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવે છે અને આ માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્ટી ખેડૂતોએ ચુકવવાની રહેતી નથી. આ જળસંચય અભિયાનથી રાજ્યભરમાં પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે તેમજ સ્થાનિક કક્ષાએ ઘરવપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાનો હલ થયો છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ભંડાર સમૃદ્ધ થવાથી ખેત ઉત્પાદનમાં વધારો અને પર્યાવરણમાં પણ સુધારો થયો છે.