ઘેટા બકરા ચરાવવા નીકળેલ વૃદ્ધની હત્યા

એ ડીવીઝનમાં નોંધાયો ગુન્હો, પોલીસ દ્વારા હત્યારાઓની શોધખોળ

ઘેટા બકરા ચરાવવા નીકળેલ વૃદ્ધની હત્યા
Symbolic Image

My samachar.in : જામનગર

જામનગર શહેર નજીક આવેલ હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના જરોઘોડા વાડી વિસ્તારમાં ગત સાંજના સુમારે ઘેટા-બકરા ચરાવવા નીકળેલ વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગત મુજબ જામનગર ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ ગતસાંજે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરાતા પીઆઈ એમ. જે. જલુ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.