Mysamachar.in-જામનગર:
ગુન્હો ગમે તેવો મોટો હોય પણ પોલીસ માટે એક કડી ખુબ મહત્વની બની જાય છે, આવું જ વધુ એક વખત જામનગરમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કરી બતાવ્યું છે, ઘટના કઈક એવી હતી કે દિવાળીના દિવસે બપોરના સાડા ત્રણેક વાગ્યે ભાવનગર શહેરના ચીત્રા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતા ગીતાબેન કમલેશભાઇ છગનભાઇ સોંલકીના 8 વર્ષના માસુમ પૂત્ર હીરેનનું અપહરણ થયું હતું. ફટાકડા લઇ આપવાના બહાને લલચાવી ફોસલાવી તેના માતા-પિતાની કાયદેસર વાલીપણામાંથી કોઈ શખ્સ ભગાડી અપહરણ ગયેલની ફરીયાદ નોંધી ભાવનગર જીલ્લા પોલીસે તમામ જિલ્લાની પોલીસને આ અંગેની માહિતીથી વાકેફ કરી હતી,
દરમિયાન એલ.સી.બી. પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો તહેવારો સંર્દભે ગુન્હાઓ બનતા અટકાવવા માટે રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ-વોચમાં સક્રિય હતા.દરમ્યાન ભગીરથસિંહ સરવૈયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે જામનગર એસ.ટી. ડેપોમાં એક શખ્સ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરે છે. અને કોઇ બસમાં જવાને બદલે છેલ્લા દસ-બાર કલાકથી ડેપોમાં બેસેલ છે અને તેની પાસે રહેલ છોકરો સતત રડે છે. બસ આટલી માહિતી પરથી એલસીબી ટીમ એસટી ડેપો ખાતે દોડી ગઈ અને ખરાઈ કરતા બાળક અપહરણ થયેલ હોવાનું જ સામે આવ્યું હતું,
એલસીબીની ટીમે એસટી ડેપો પહોંચી શકિતરાજ હોટલના પાછળના ભાગે એસ.ટી.ડેપોની કમ્પાઉન્ડ વોલ પાસે અપહરણ થયેલ માસુમ બાળક હીરેન ઉ.વ. 8 અને તેનું અપહરણ કરનાર આરોપી રસીદ ઇકબાલભાઇ હાલા, રહે. જંગલેશ્વર તવકલ ચોક, બાબા પાનની દુકાન સામે, રાજકોટ વાળો મળી આવ્યો હતો. એલસીબીએ તુરંત ભાવનગર પોલીસને જાણ કરી હતી જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જામનગર આવી અપહરણકાર અને અપહૃત બાળકને લઈને પરત ફરી હતી.