Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં કાલાવડ કાયમ કકળાટનું ઘર રહ્યું છે, એવી એક માન્યતા ઘણાં લોકો ધરાવતાં રહ્યા છે. થોડાં સમય પહેલાં પણ એક રાજકીય પક્ષે બબાલનો અનુભવ કર્યો. હવે, બીજાં એક રાજકીય પક્ષે કસોટીમાંથી પસાર થવાનો કડવો અનુભવ સહન કરવો પડ્યો છે ! શાસકપક્ષના ઉમેદવાર ભેખડે ભરાયાં છે, તેઓનાં જ ભાઈઓ ફરિયાદ લઈને જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે પહોંચી ગયા છે !
ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા બાદ છેક દિલ્હીથી અન્ય ઉમેદવારોની સાથે 76-કાલાવડ વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાનાં નામની જાહેરાત તો કરી દીધી પણ, હવે બબાલ ઉભી થવા પામી છે. અનુસૂચિત જાતિ માટેની આ અનામત બેઠક પર ખુદ સમાજ આગેવાનોએ બાંયો ચડાવી છે ! અને, આ આગનાં લપકારા કાલાવડથી છેક જામનગર જિલ્લા ભાજપા કાર્યાલય અટલ ભવન સુધી પહોંચી ગયા. અસંતોષ જાહેર થયો ! સંખ્યાબંધ આગેવાનોએ રજૂઆતો કરી, વિરોધ નોંધાવ્યો ! પક્ષની પસંદગીને પડકારવામાં આવી ! અત્રે નોંધનીય છે કે, આ બેઠકનાં ઉમેદવાર પક્ષનાં જ પૂર્વ ધારાસભ્ય છે. બળુકા છે. પરંતુ પોતાનાં જ સમાજમાંથી આવડો વિરોધ, આ પ્રકારે ઉઠશે ! એ મુદ્દે તેઓ છેક સુધી ગફલતમાં રહ્યા ?! કે, જોયું જશે ?! એવી તૈયારી સાથે તેઓ આગળ વધી રહ્યા છે ! અને, પ્રશ્ન તો એ પણ ઉભો થયો કે, જિલ્લા ભાજપાએ આ આખાં વિષયમાં ગોથું ક્યાં ખાધું ?! કે, છુટક અસંતોષનો અંદાજ હતો અને જથ્થાબંધ વિરોધ સામે આવી ગયો ?!
આ વિરોધની સાથે સાથે એવી પણ રજૂઆત થઈ કે, આ ઉમેદવારનાં પત્ની ગોમતીબેન જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષાનુ પદ ભોગવે છે. ઉમેદવારનાં ભત્રીજા વહુ ધ્રોલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા તરીકે બિરાજે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલાવડ બેઠક પર ભાજપાનાં 50થી વધુ દાવેદારોએ પાર્ટીનાં રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગ સમક્ષ પોતાની દાવેદારી કરી હતી, આ દાવેદારો પૈકી મોટાભાગના અત્યારે હાલનાં ઉમેદવાર વિરુદ્ધ જિલ્લા ભાજપા સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી રહ્યા હોવાનું બહાર આવી જતાં મામલો ગરમાયો છે.
આજે શનિવારે બપોરે પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, અન્ય અગ્રણીઓ સામત પરમાર, ડો. કલ્પેશ મકવાણા, દિપક ચાવડા તથા અનિલ બાબરિયા સહિતનાં કેટલાંક નિષ્ફળતા પામેલાં દાવેદારો જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં અને જબ્બર વિરોધ નોંધાવ્યો હતો તેમજ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાક્રમને કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ અગાઉ આમ આદમી પાર્ટીમાં પણ આ જ બેઠકમાં આવો ડખ્ખો થયો હતો, જે અત્રે ઉલ્લેખનીય છે.