Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રની સાથે સાથે છેલ્લા બે દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ભારે વરસાદી માહોલ છવાયેલો છે, અને કેટલાય ગામોમાં ભારે વરસાદ એક ધારો વરસી પડતા મુશ્કેલીમાં પણ વધારો પણ થયો હતો જો કે સ્થિતિ હવે સામાન્ય બની રહી છે, જામનગર જીલ્લામાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં અને તેમાં પણ દૂધઈ ગામે અંદાજે 15 ઇંચ જેટલો વરસાદ પડતા મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોની સ્થિતિ કફોડી બની જવા પામી હતી, જો કે સ્થિતિ હાલ સામાન્ય બની રહી હોવાનું જાણવા મળે છે,
તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે આ સિઝનમાં સતત ચોથી વખત બેટમાં ફેરવાઈ જતા લોકોની હાલાકીનો પાર નથી તો બીજી બાજુ નગરપાલિકાનું તંત્ર ફીફા ખાંડતું હોવાનો ઘાટ ઘડાયો છે, બે દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વર્તુ ડેમના દરવાજા 10 દરવાજા ખોલવામાં આવ્યા હોય તેના પાણી રાવલ સુધી આવી પહોંચતા સ્થિતી વિકટ બની જવા પામી હતી, તો વધુમાં સાની ડેમના દરવાજા ખુલ્લા હોઈ બે ડેમોના પાણી તેમજ નદીઓના પુર અને વરસાદ બધું પાણી રાવલને ઘેરી લીધું..સ્થિતિ એવી તો કફોડી બની કે વાડી વિસ્તારના લોકોને હોડી દ્વારા સલામત સ્થળે લઈ ખસેડવાની ફરજ પડી તો લોકમુખે ચર્ચાઓ ચાલતી હતી કે ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં આરામ ફરમાવવામાં થી નવરાશ મળે તો રાવલ સામે દ્રષ્ટિ કરે ને..?
તો છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લામાં પડેલ વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના ફલ્લાગામે 1 ઇંચ, જામવંથલી ગામે 2 ઇંચ જોડિયા તાલુકાના હડિયાણા ગામે 1 ઇંચ જયારે બાલંભામાં 4 ઇંચ, પીઠડમાં 2 ઇંચ, વરસાદ નોંધાયો છે, તો ધ્રોલ તાલુકાના લતીપુર જાલીયાદેવાણી અને લૈયારામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, કાલાવડ તાલુકાના નિકાવામાં 1 ઇંચ ખરેડીમાં 2 ઇંચ, મોટાપાંચદેવળા અને મોટા વડાળામાં દોઢ દોઢ ઇંચ વરસાદ તો જામજોધપુર તાલુકાના વાસજાલીયા અને ધુનડામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે અને લાલપુર તાલુકાના પીપરટોડા, ભણગોરમાં દોઢ દોઢ ઇંચ જયારે મોટા ખડબામાં 2 ઇંચ મોડપર અને ડબાસંગમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.