જામનગર: 2 વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત 1,01,607 પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ

જામનગર જિલ્લામાં 18 ફરતા પશુ દવાખાનાઓ દ્વારા પશુપાલકોના પશુઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે

જામનગર: 2 વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત 1,01,607 પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ

Mysamachar.in-જામનગર:

રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે- ઇ.એમ.આર.આઇ.ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે.જેમાં એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે.અને પશુપાલકો તાકીદના, કટોકટીના સંજોગોમાં 1962 પર કોલ કરી તેમના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે.

જામનગર જિલ્લામા પશુઓની જીવાદોરી  સમાન ફરતા પશુ દવાખાનાને (મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરી) ગઈ કાલે બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ દરમ્યાન અબોલ એવા 1,01,607 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હોવાનું પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જય રતનપરા તેમજ પ્રોગ્રામ મેનેજર ડો જતીન સંચાણીયા એ જણાવ્યું છે. જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા તા. 22 જૂન - 2020 ના રોજ 12 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા તેમજ 28 ડિસેમ્બર 2021 ના રોજ 6 વધારાના મોબાઈલ યુનિટનો ઉમેરો કરવામાં આવેલ હતો.આ સેવા શરૂ થયાના  બે વર્ષ દરમિયાન કુલ 1,01,607 પશુઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં 97,104 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 4,503 પશુની સારવાર કરવામાં આવી હતી.

ફરતા પશું દવાખાના દ્વારા છેલ્લા બે વર્ષમાં આપવામાં આવેલ પશુઓની વિગતો જોઈએ તો 46845 ભેંસ, 4560 ગાય, 4375 બકરી, 2989 ઘેટા, 1518 કુતરાઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી.જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં આમરા, ફલા, ચંદ્રગઢ, હર્ષદ પર, ધુતારપર, જાંબુડા, ઠેબા તેમજ જામજોધપુર તાલુકામાં તરસાઈ, મોટી ગોપ ઉપરાંત જોડિયા તાલુકામાં પીઠડ, ભાદરા, દુધઈ કાલાવડ તાલુકામાં આણંદપર, નવાગામ, ખરેડી લાલપુરમાં ધરમપુર, ખડખંભાળિયા અને ધ્રોલમાં નાથુવડલા સહિત 18 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. જે તે વિસ્તારના પશુ પાલકો અને લોકોમાં ફરતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધતી જાય છે તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે આ સેવાનો લાભ લઈ રહ્યા છે.

આ ફરતા પશુ દવાખાનાનો આશય પશુપાલકોના દુધાળા અને ખેતી ઉપયોગી મોટા જાનવરોના આરોગ્યની કાળજી લેવાનો છે. જીવદયાને વરેલી રાજ્ય સરકારનો ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી.આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવાર સેવાઓ આપે છે.માનવની સાથે પશુ આરોગ્યની જાળવણી કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતાનો આ ફરતા પશુ દવાખાના પુરાવો આપે છે. રાજ્ય સરકારે અબોલ પશુઓની સેવા સારવાર કરીને પશુઓ પ્રત્યે આગવી કરુણા દર્શાવી છે.