જામનગર:જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણી થઇ 

ઓસમાણ મીરના લોકડાયરામાં જીલ્લાના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ 

જામનગર:જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણી થઇ 

Mysamachar.in-જામનગર:

જામનગર સહિત હાલારમાં સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૪મી જન્મજયંતિની ભક્તિભાવ અને સેવા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં લોહાણા સમાજ દ્વારા પ્રદર્શન મેદાનમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત સતત પચ્ચીસમા વર્ષે નાત જમણ યોજવામાં આવ્યું હતું. તેમજ શહેરભરમાં જલારામ રથ ફરતો મુકીને તમામ જલારામ ભક્તોને પ્રસાદી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, 

જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી સહિતના કાર્યકરોની ટીમ દ્વારા જલારામ જયંતિની ઉજવણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે સાંજે રઘુવંશી સમાજના સેવાભાવી કાર્યકરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ શનિવારે રાત્રે લોક ડાયરો યોજવામાં આવ્યો હતો.

જેમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેઘજી ચાવડા, સ્ટે.ચેરમેન નિલેશભાઈ કગથરા, કલેક્ટર બી.એ.શાહ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, રઘુવંશી સમાજના અગ્રણી અશોકભાઈ લાલ, રઘુવંશી સમાજના ડોક્ટરો, વકીલો. ઈજનેરો ડાયરાપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ રવિવારે જલારામ જયંતિના દિવસે સવારના મુહુર્તમાં પાંજરાપોળની ગાયોની સેવા બાદ પ્રદર્શન મેદાનમાં કાર્યક્રમ સ્થળે 10 વાગ્યે થેલેસેમિયા ચેક-અપ કેમ્પ, 10:30  વાગ્યે જલારામ ભક્તો માટે પ્રસાદી વિતરણના જલારામ રથનું પ્રસ્થાન યોજાયા હતા. બાદમાં 80 વર્ષથી મોટી ઉંમરના રઘુવંશી વડીલોનું સન્માન અને સારશ્વત બાહ્મણ જ્ઞાતિના ભોજન પછી લોહાણા સમાજનું જ્ઞાતિ ભોજન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહીને જલારામ પ્રસાદ લીધો હતો.

લોહાણા સમાજની જલારામ જયંતિ નિમિત્તની નાત યોજવાની પ્રથાને ગતરોજ પચીસમુ વર્ષ થયું હતું જેનો શ્રેય જલારામ જયંતિ મહોત્સવ સમિતિ અને સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતની ટીમને જાય છે, પ્રદર્શન ગ્રાઉન્ડમાં બપોરે મહાપ્રસાદ બાદ સાંજે હાપા અને સાધના કોલોની ખાતે આવેલા જલારામ મંદિર ખાતે મહાઆરતી તેમજ કોઈપણ જાતના ભેદ વગર સમુહ પ્રસાદનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં જલારામભક્તો જોડાયા હતા, આમ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ભાવપૂર્વક કરવામાં આવી જેમાં હજારો ભાવિકો જોડાયા હતા.