Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે લોકો એક તરફ વરસાદની ઠંડક અને બીજી બાજુ વાતાવરણ બગડયાનો ઉકળાટ અનુભવી રહ્યા છે ! આ પ્રકારની મિશ્ર અનુભૂતિ વચ્ચે લોકોમાં જાતજાતની વાતો સાંભળવા મળી રહી છે. બીજી બાજુ જામનગરમાં રાજ્યનાં સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી ગુજરાત ગૌરવ દિન તરીકે કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ! શું થશે ?! સર્વત્ર એક જ સવાલ છે કેમ કે, હવામાન વિભાગે ફરીથી વરસાદની નવી આગાહી પણ જાહેર કરી છે !
કાલે શુક્રવારે રાત્રિથી આજે સવારે નવ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાંથી કમોસમી વરસાદનાં અહેવાલો મળી રહ્યા છે ! મોરબી સહિતના સેન્ટરોમાં તો ધોધમાર વરસાદના પણ અહેવાલ છે ! હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં લગભગ બધાં જ વિસ્તારોમાં કમોસમી વરસાદ દેખા આપી રહ્યો છે. ત્યાં, આ વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ વરસી શકે છે ! પહેલી મે આસપાસ પશ્ચિમી વિક્ષોભને કારણે રાજ્યમાં, ફરી એક વખત કમોસમી વરસાદ વરસી શકે છે ! હજુ ત્રણ તારીખ સુધી વાતાવરણ અનિશ્ચિત રહેશે !
જામનગર શહેરમાં આજે વહેલી સવારે સામાન્ય ઝાપટું વરસ્યા બાદ, નવ વાગ્યાથી કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુરૂવારે સાંજે જિલ્લામાં લાલપુર તથા કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ કરા સાથે નોંધાયો હતો. જો કે, કૃષિમંત્રીએ કાલે શુક્રવારે જ કહ્યું – આ સિઝનમાં કમોસમી વરસાદ સામાન્ય બાબત છે. તેનાથી ખેડૂતોને ખાસ કોઈ નુક્સાન થતું નથી. પરંતુ અત્રે ઉલ્લેખનીય એ છે કે, લોકોને આ કમોસમી વરસાદથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.