ભાણવડમાં ૧.૧૪ કરોડની ખનીજચોરી થયાનું ખૂલ્યું

અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ

ભાણવડમાં ૧.૧૪ કરોડની ખનીજચોરી થયાનું ખૂલ્યું

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોકસાઈટ ખનિજચોરીના દુષણની સાથે લાઈમસ્ટોન એટલે કે બેલા પથ્થરની પણ ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોય, તેનો પર્દાફાશ તાજેતરમાં ભાણવડ પંથકના ખાણ-ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને કર્યો હતો,જેમાં ખનીજ ચોરી અને પર્યાવરણના નુકસાન પેટે દંડ સહિત ૧.૧૪ કરોડની ખનિજ ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ખનીજ માફિયાઓમા ફફડાટ ફેલાયો છે,

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેશકુમાર મીનાની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગના અધિકારી પટેલ અને તેમની ટીમ દ્વારા ખનીજ ચોરી ડામવા માટે ઝુંબેશ ચલાવી હતી,જેમાં ભાણવડ પંથકના પાછતર ગામ નજીક બરડા અભયારણ્ય સામે તેમજ ઢેબર ગામ નજીક બેલાની ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડી સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.જેમાં અંતે રાણપુર ગામના ટપુભાઈ અને અજાણ્યા લોકો સામે ગઈકાલે ખનીજ ચોરી મામલે રોયલ્ટી ઇન્સ્પેકટર ભવદીપ ડોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે,

આ ફરિયાદમાં ૯૦ લાખની ખનીજ ચોરી થયાનું ખુલ્યું છે અને ખનીજચોરી ઉપરાંત પર્યાવરણને નુકસાન કરવામાં આવતા તેનો પણ દંડ ૨૩ લાખ વગેરે મળીને ૧.૧૪ કરોડની ખનીજ ચોરી થયાનું પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું છે,ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા વધુ વિગતો ખૂલવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.