કલ્યાણપુર બોકસાઇટ ચોરીમાં પોલીસનો છે મુખ્ય રોલ.?

દ્વારકા SP શું કહે છે.?

કલ્યાણપુર બોકસાઇટ ચોરીમાં પોલીસનો છે મુખ્ય રોલ.?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડાસમય પૂર્વે એક જાહેર કાર્યક્રમમાં સ્વીકાર્યું હતું કે રાજ્યમાં ગૃહ અને મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે છે,ત્યારે આ વાતને સમર્થન કરતી એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે,તેમાની એક ફરિયાદ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલતા ખનીજ ચોરીના રેકેટમાં પોલીસની શંકાસ્પદ કામગીરીને કારણે ગૃહ વિભાગ બદનામ થઈ રહ્યો હોવાની લોકવાયકા વચ્ચે કલ્યાણપુર તાલુકામાં ચાલતા બોકસાઈટની કરોડો રૂપિયાની ખનીજ ચોરીમાં પોલીસનો મોટા પાયે કથિત હપ્તાખોરીનો ખેલ ચાલી રહ્યો હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં બોકસાઈટ ખનીજ ચોરીમાં સામે આવેલી સ્ફોટક માહિતી પ્રમાણે રાત્રીના ૧૦ થી સવારના 5 વાગ્યા સુધી ચાલતા આ રેકેટમાં પોલીસના સીધા આશીર્વાદના કારણે ખનીજ માફિયા તત્વોને મોકળું મેદાન મળી ગયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ વિભાગ સામે આંગણીઓ ચિંધાઈ રહી છે,જેમાં અઘઘ.આઠ આંકડામાં હપ્તો મળતો હોવાના ગંભીર આક્ષેપો સાથે ચર્ચા ભારે જોર પકડ્યું છે, આવા કથિત વહીવટના કારણે સ્થાનિક ખાણ-ખનીજ વિભાગ પણ નક્કર પગલા ભરવામાં નિષ્ફળ જઇ રહ્યો હોવાની પણ એક તરફ ચર્ચા થઈ રહી છે,

આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય સરકારી વિભાગને જલસા હોય કે ન હોય પરંતુ પોલીસ વિભાગ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન હોય ટેબલ નીચેની કહેવાતી આવકના કારણે કોઈ બદલી પણ કરાવતુ નથી,હાલ તો કલ્યાણપૂર વિસ્તારના બોકસાઈટ પ્રકરણમાં પોલીસની વિવાદાસ્પદ ભૂમિકા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પોલીસની સંડોવણીના પુરાવા સાથે ફરિયાદ મળશે તો છોડવામાં નહિ આવે: SP રોહન આનંદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં બોકસાઈટની ખનીજચોરીમાં ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે આ મામલે SP રોહન આનંદ દ્વારા Mysamachar.in સાથે વાતચીતમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,ચુંટણી સમય દરમિયાન પોલીસ બંદોબસ્તમાં રોકાયેલી હોવાથી બોકસાઇટ ચોરી અંગેની કામગીરી પર અસર પડી હતી અને હવે ખાણ ખનીજ સહિતની એજન્સીઓ સાથે સંકલન કરીને પેટ્રોલિંગ વધારીને બોકસાઇટ ચોરી અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસ સામેના આક્ષેપોને SPએ નકાર્યા હતા, તેમજ પોલીસ સામે પુરાવા સાથેની સંડોવણી ફરિયાદ મળશે તો કોઈ પણ હશે તેને છોડવામાં આવશે નહીં તેવી બાંહેધરી પણ આપી હતી.