નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસી છે શું..? જાણો

તેનાથી શું ફાયદો થશે.? તે પણ વાંચો

નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસી છે શું..? જાણો
file image

Mysamachar.in-ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વોલન્ટરી વ્હિકલ ફ્લિટ મોડર્નાઇઝેશન (વી-વીએમપી) પ્રોગ્રામ અંતર્ગત પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75મા સ્વાતંત્ર્ય પર્વ પહેલાંના આજના આ કાર્યક્રમને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું ગણાવી, નવી સ્ક્રેપેજ પૉલિસીને કચરામાંથી કંચન બનાવવાના અભિયાન સાથે સરખાવી હતી.

આ નવી પૉલિસીને Waste to Wealth - કચરામાંથી કંચન અભિયાનમાં, સરક્યુલર ઇકોનૉમીની મહત્ત્વની કડીરૂપ ગણાવતા વડાપ્રધાનએ કહ્યું કે તેનાથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણીય સમતુલા જાળવવામાં પણ ઉપયોગી થઈ પડશે. 3R- ‘રિયુઝ, રિસાઇકલ અને રિકવરી’ના મંત્રની મદદથી ઓટોસેક્ટરમાં આત્મનિર્ભરતાને નવી ઊર્જા મળવાની સાથે દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાની સાથે 50 હજારથી વધુ રોજગારીની નવી તકોનું નિર્માણ થવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, આ પૉલિસી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીને પણ નવી ઊર્જા આપશે. આ પૉલિસીને લાગુ કરીને, ઓટોમોબાઇલ સેક્ટર, ઓટોમોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટમાં યોગદાન આપશે, જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે.દેશમાં વ્હિકલ પોપ્યુલેશનના મોડર્નાઇઝેશનમાં અને અનફિટ વ્હિકલને વૈજ્ઞાનિક પદ્ધતિથી રસ્તા પરથી દૂર કરવામાં પણ આ પૉલિસીની મહત્ત્વની ભૂમિકા બની રહેશે. એટલું જ નહીં, દેશના પ્રત્યેક નાગરિક, ઇન્ડસ્ટ્રી સેક્ટર અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.

આ પૉલિસીનો પ્રાથમિક માપદંડ વાહનના ફિટનેસ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે માટે જ દેશભરમાં જિલ્લા કક્ષાએ પીપીપી મોડેલથી વાહન ફિટનેસ સેન્ટરના નિર્માણ માટે રાજકોટ વિશેષ પ્રોત્સાહન પણ પૂરું પાડીશું. આ પૉલિસીથી ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે જેના લીધે વિશેષ બચત થશે. ઉત્પાદન ક્ષેત્રમાં મેટલમાં એલ્યુમિનિયમ સ્ટીલ કોપર પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ નીકળશે તેનાથી વાહન ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને રોજગારી પણ વધશે. જે નવા વાહનોનું ઉત્પાદન થશે તે રોડ સેફ્ટી નિયમોને લીધે નાગરિકોને સુરક્ષા પૂરી પાડશે અને કાચા માલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે વાહનો સસ્તા મળશે. કિંમતમાં ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સંશોધન ક્ષેત્રે નવી સ્પર્ધાઓ થશે પરિણામે નિકાસ વધશે, સરકારને ફાયદો થશે અને રોજગારી પણ વધશે. ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં 30 થી 40 હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ સ્ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલીકોએ વ્હિકલ સ્ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિસાયક્લિંગ હબ બનશે. પાંચ વર્ષમાં ભારતને રિસાયક્લિંગ ક્ષેત્રે હબ બનાવવાનું લક્ષ્યાંક છે.

મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે,દેશમાં નવા બિઝનેસ મોડલને નવી દિશા આપીને મહત્વનુ પ્રદાન પુરૂ પાડશે અને જે સામગ્રીના પુનઃ ઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપશે.આજે ભારતના રજિસ્ટર્ડ વાહનોમાંથી 9% ગુજરાતમાં છે. વિશ્વના બીજા સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ પણ અલંગ ખાતે કાર્યરત છે જયા પહેલેથી જ વાહનોની સ્ક્રેપિંગ અને રિસાયક્લિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. જેથી ગુજરાત હાલની ઇકોસિસ્ટમનો લાભ લેવા અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓ અને સ્વચાલિત માવજત કેન્દ્રો વિકસાવવા અને સ્થાપવા માટે રોકાણ આકર્ષવાનો પ્રયાસ છે આ માટે પરિવહન વિભાગ આ નીતિના સફળ અમલીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવશે. આજની આ ઇવેન્ટના લીધે ગુજરાત વાહન સ્કિપિંગ નીતિના અમલીકરણમાં પણ ભારતનું અગ્રણી રાજ્ય બનશે.

તાજેતરમાં રાજય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી અને ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પૉલિસી લાગુ કરી છે. વિકાસની સાથે આ નીતિઓ પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી, કાર્યક્ષમ લોજિસ્ટિક્સના વિકાસમાં અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ માટે પસંદગીનું કેન્દ્ર બનાવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. સડક પરિવહન મંત્રાલયના સચિવ ગિરિધર અરમાનેએ નવી વેહિકલ સ્ક્રેપિંગ પૉલિસીના મહત્વના અંશો અને પ્રેસન્ટેશન રજુ કરતા કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની દિશામાં રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવામાં આ પૉલિસીનું મહત્વનું યોગદાન રહેશે. આ વેહિકલ સ્ક્રેપિંગ પૉલિસીમાં 'વેહિકલ એજ' ને બદલે 'વેહિકલ ફિટનેશ' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વેહિકલ સ્ક્રેપિંગ પૉલિસીમાં વેહિકલ સ્ક્રેપ કરવાથી લઈને નવા વાહનની ખરીદી સુધી વાહન માલિકોને વધુ ફાયદો થશે.

ગિરિધરે ઉમેર્યું હતું કે આ પૉલિસીના અમલથી ગુજરાતને ઘણો ફાયદો થશે. વિશ્વમાંથી સ્ક્રેપ વેહિકલસ ગુજરાતના અલંગ અને કંડલા બંદરોએ આવશે અને અહીં બહોળી રોજગારીનું પણ સર્જન થશે. અલંગ વેહિકલ સ્ક્રેપ ક્ષેત્રે હબ તરીકે નિર્માણ પામશે. આ પૉલિસી અંતર્ગત મોર્ડન અને ઓર્ગેનાઈઝ્ડ વેહિકલ સ્ક્રેપિંગ તેમજ ટેસ્ટિંગ સેન્ટર સ્થપાશે. આ સમગ્ર વેહિકલ સ્ક્રેપિંગ ફેસીલિટીને વાહન પોર્ટલ સાથે સાંકળી સિંગલ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પડાશે તેમ ગિરિધરે ઉમેર્યું હતું.


 
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું ઈકોનોમિક એન્જિન છે. વર્ષ 2017 થી 2021 દરમ્યાન એફ.ડી.આઈ. ગ્રોથ 10 ગણો વધ્યો છે. ઈન્ડિયા સ્ટાર્ટઅપમાં પણ રાજ્યમાં સર્વોત્તમ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 20થી વધુ બિઝનેસ ઇન્વાયર્નમેન્ટ પૉલિસી ઘડવામાં આવી છે. ગુજરાત મૂડીરોકાણ કરવાનું ઉત્તમ સ્થળ છે કારણ કે ગુજરાતમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગેસ, રેલવે, ટ્રાન્સપોર્ટ જેવી વિવિધ સુવિધાઓ સાથે સાથે નવી ઇન્ડસ્ટ્રીયલ પૉલિસી 2020 અંગે પણ તેમણે વિસ્તૃત વાત કરી હતી.

-શું ફાયદો

નવી સ્ક્રેપ પૉલિસી દ્વારા સામાન્ય પરિવારોને થનારા વિવિધ લાભ અંગે વડાપ્રધાનએ જણાવ્યું કે પોતાનું જૂનું વાહન સ્ક્રેપમાં આપનારને આ પૉલિસી અંતર્ગત એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જે બતાવવાથી નવું વાહન ખરીદતી વખતે રજિસ્ટ્રેશનની કોઈ રકમ ચૂકવવી પડશે નહીં. ઉપરાંત, રોડ ટેક્સમાં પણ રાહત મળશે. આ સિવાય, નવા વાહનની મેઇન્ટેનન્સ કોસ્ટ, રિપેરિંગ, ફ્યૂઅલ એફિસિયન્સીમાં પણ ફાયદો થશે.

આ પૉલિસીનો ત્રીજો અને મહત્ત્વનો ફાયદો સીધો માનવીના જીવન સાથે જોડાયેલો છે. જૂની ટેક્નોલૉજીવાળા વાહનો સ્ક્રેપમાં જવાથી માર્ગ અકસ્માતોમાંથી પણ મુક્તિ મળશે. નવાં વાહનો થકી પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાના લીધે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની રહેશે. આ ઉપરાંત, આ નવી પૉલિસી અંતર્ગત વાહનોનું ફિટનેસ માત્ર તેની ઉંમરના લીધે નહીં, પરંતુ સંપૂર્ણ સાયન્ટિફિક રીતે ચકાસવામાં આવશે.