તસ્કરો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા, ગુગલ મેપથી સર્ચ કરી માત્ર તમાકુના ગોડાઉનને કરતા ટાર્ગેટ

આંતરરાજ્ય ટોળકી સામે કેટલાય ગુન્હાઓ

તસ્કરો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા, ગુગલ મેપથી સર્ચ કરી માત્ર તમાકુના ગોડાઉનને કરતા ટાર્ગેટ
symbolic image

Mysamachar.in-વડોદરા

આજના આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં તસ્કરો પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરતા હોવાના કિસ્સાઓ સામે આવે છે, આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટ ફોનમાં ગુગલ મેપથી રાજયમાં તમાકુના ગોડાઉન સર્ચ કરીને આયોજન પૂર્વક ચોરી કરતી આંતર રાજય ગેંગના 5 સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે, ગોલ્ડન ચોકડીથી એક આઈસર ટેમ્પા સહીત કુલ રૂ. 14,88,700ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં તાજેતરમાં થયેલી જુનાગઢ, મોરબી અને સુરતના પાંડસેરાની ચોરીનો ભેદ ખુલ્યો છે. આરોપીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના વતની છે.

જેઓ ભેગા થઈને એક ગેંગ બનાવી હતી. આરોપીઓ ગુન્હાહિત ભુતકાળ ધરાવે છે, અને આરોપીઓ શાતીર હોય ચોરી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા સ્માર્ટ મોબાઈલ ફોનમાં આધુનીક સુવિધાઓ ઉપલબ્ધ છે. ભેજાબાજો ગુગલ મેપથી વિવિધ રાજયો અને જિલ્લાઓમાં તમાકુના ગોડાઉન સર્ચ કરતા હતા. જે જિલ્લામાં ગોડાઉન સર્ચ થાય તે જિલ્લામાં પહોંચીને એક દિવસ પહેલા રેકી કરતા હતા. બીજી રાતે આયોજન પૂર્વક ગેસ કટરથી ગોડાઉનનું તાળુ તોડીને સિગારેટ, ગુટખા તથા તમાકુની અન્ય બનાવટોની ચોરી કરતાં હતા.

પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે ગતરોજ હાઈવે પર દુમાડ ચોકડી ખાતે વૉચ ગોઠવીને એક આઈસર ટેમ્પો રોકયો હતો. જેમાંથી મહાવીરસીંહ જોહરસીંહ રાઠોડ રહે, મીરા રોડ, મુંબઈ મૂળ રાજસ્થાન, ધર્મેશ ઉર્ફે ધમો જયસુખભાઈ સીરોયા રહે, સરથાણ સુરત મૂળ ધારી અમરેલી, રામુ છોટેલાલ નિશાદ રહે, કડોદરા, સુરત મૂળ યુ.પી., અજય મિસ્રા રહેસુરત અને જગદીશ તુલસીરામ ચૌધરી રહે, નારોલ, અમદાવાદ મૂળ રતલામ એમ.પીને ઝડપી લેવાયા હતા. આરોપીઓ પાસેથી ટેમ્પા સહીત રોકડા રૂ. 15 હજાર,ગુટખાના થેલાઓ તથા

ચોરી કરવાના સાધનો મળીને કુલ રૂ.14,88,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટેકનોલોજીની મદદથી ચોરી કરતી આંતરરાજય ગેંગની પૂછપરછમાં જુનાગઢ, મોરબી અને સુરતના પાંડેસરા વિસ્તારના ગોડાઉન ચોરીનો ભેદ ઉકેલાયો છે. બીજી ચોરીઓનો પણ ભેદ ખુલવાની શકયતા હોય પોલીસ દ્વારા રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરાઈ રહી છે.