રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલની આંતરિક લડાઈ ખુલ્લી પડી ગઈ

જાણો બંને નેતાઓએ શું કહ્યું?

રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલની આંતરિક લડાઈ ખુલ્લી પડી ગઈ

mysamachar.in-જામનગર:

શિસ્તબંધ પાર્ટીનું સિમ્બોલ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના જામનગર જીલ્લાના બે દિગ્ગજ આગેવાનો રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલ હાપા યાર્ડની ચૂંટણી લડવા માટે સામ-સામે આવી જતાં ભારે રાજકીય ગરમાવા વચ્ચે શિસ્તમાં માનનારી ભાજપના લીરે લીરા ઉડયા હોય તેવો માહોલ સર્જાયો છે. 

જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પેનલએ હાપા યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવીને આજે ૧૪ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી છે,તો સામે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલની પેનલએ પણ મેદાનમાં ઉતરતા ભાજપના જ આ બે નેતાની લડાઈ ફરી એક વાર ખુલ્લી પડતા રાજકીય વાતાવરણમાં ભારે ઉતેજનાનો માહોલ જામતો જાય છે,

આજે હાપા યાર્ડની ચૂંટણી સંદર્ભે ફોર્મ ભરતા સમયે ચંદ્રેશ પટેલએ મીડિયા સમક્ષ પોતાની પેનલને ખેડૂતો, વેપારીઓ, ખરીદ-વેંચાણ સંઘના મતદારોનું પૂરતું સમર્થન હોય ૧૪ બેઠક જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને ભાજપનો વર્ષો જૂનો જનસંઘથી સીનિયર કાર્યકર છું,છતાં આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે,ચૂંટણી લડવી પડે છે,સરકારી ક્ષેત્રમાં પક્ષ વચ્ચે આવતો નથી અને પક્ષએ મને ચૂંટણી લડવા માટે હા કે ના પણ પાડી નથી તેમ પણ ચંદ્રેશ પટેલએ જણાવ્યુ હતું,

જેની સામે રાઘવજી પટેલએ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ચોકાવનારું નિવેદન આપતા જણાવ્યુ હતું કે, પ્રદેશ ભાજપની નેતાગીરી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરી તેમનું સમર્થન હોવાથી હાપા યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને રાઘવજી પટેલ એ જીતનો દાવો વ્યકત કર્યો હતો,

આમ જોઈએ તો સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પક્ષાપક્ષી ના હોય જે તે પાર્ટીની પ્રેરિત પેનલ ચૂંટણી લડતી હોય છે.પરંતુ આ વખતે હાપા યાર્ડની ચૂંટણીમાં ભાજપના સીનિયર આગેવાન પૂર્વ સાંસદ અને હાલ ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ પીછેહટ ન કરીને ફરી એક વાર લડી લેવાનું મન બનાવી લીધું છે, તો રાઘવજી પટેલએ પણ મને સરકારનું સમર્થન છે,અને વધુમાં રાઘવજી પટેલ ને જ્યારે પુછવામાં આવ્યું કે તમારી સામે તમારા જ પક્ષનું જુથ ચૂંટણી લડી રહ્યું છે ત્યારે રાઘવજી જાણે અજાણ હોય તેમ મારી સામે કોણ લડી રહ્યું છે તે હું જાણતો નથી તેવો જવાબ આપ્યો હતો,

આમ હાપા યાર્ડની ચૂંટણી આ વખતે ભાજપના બંને નેતાઑ માટે પ્રતિષ્ઠાભર્યો જંગ હોય,બંને નેતા ભાજપના હોવા છતા નમતું ન જોખતા બંને નેતાઓની શાખ હવે દાવ પર લાગી છે અને જેના પરિણામે આગામી દિવસોમાં રાજકીય મામલો વધુ તેજ બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

ચંદ્રેશ પટેલે કહ્યું કે પક્ષનો સિમ્બોલ નથી હોતો, તો રાઘવજી પટેલ નું ખેસ પહેરવું શું સાબિત કરે છે?

જે રીતે સર્વવિદિત છે તેમ સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પ્રત્યક્ષ રીતે કોઈ પક્ષનો સિમ્બોલ હોતો નથી પણ આજે જ્યારે રાઘવજી પટેલ હાપા યાર્ડની ચૂંટણી માટે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેના ગળામાં લટકતો ભાજપનો ખેસ શું સાબિત કરે છે?

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.