આ રીતે એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું સોનું, ભાવમાં મોટો ફરક માટે થાય છે દાણચોરી 

ટ્રીક જાણીને અધિકારીઓ પણ વિચારતા રહી ગયા 

આ રીતે એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું સોનું, ભાવમાં મોટો ફરક માટે થાય છે દાણચોરી 
file image

Mysamachar.in-અમદાવાદ:

અખાતી દેશોમાં 24 કેરેટ સોનામાં અને ભારતીય બજારમાં કિલોએ ત્રણ લાખનો તફાવત આવતા દેશમાં સોનાની દાણચોરી વધી છે. જેમાં કેરિયરો અવનવી મોડસ ઓપરેન્ડીથી જુદાજુદા એરપોર્ટનો ઉપયોગ કરી સોનુ દેશમાં ઘૂસાડી દે છે, જેમાં અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું છે.અને વધુ એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી આ રીતે દાણચોરીનું કરોડોનું સોનું ઝડપાઈ ગયું છે મળતી માહિતી મુજબ...

કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે શારજહાથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ત્રણ મુસાફરો ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. અહીં ફરજ પર હાજર અધિકારીઓને તેમના પર શંકા જતાં તેમને અટકાવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ યોગ્ય જવાબો ન આપી શકતા અધિકારીઓને તેમના પર વધુ શંકા ગઈ હતી. જે બાદ ફરજ પર હાજર અધિકારીઓ દ્વારા લગેજ તપાસવામાં આવતા તેમાંથી કંઈ મળી આવ્યું નહોતું. જે બાદ તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરતા બીપ અવાજ આવ્યો હતો.

જે અધિકારીઓ દ્વારા તપાસ કરાતા ત્રણ પૈકી બે મુસાફરોએ કમર પર પહેરેલા બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. ગેરકાયદે સોનુ લાવવાની આ મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.  ભારતીય બજારમાં આ સોનાની કિંમત રૂ. 13 કરોડ થાય છે. તેઓ આ સોનું ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને આપવાનું હતું? એ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.