Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર સુરજકરાડી વિસ્તારમાં ગત બુધવારે સાંજે દિવાલ પાસે બેસવા બાબતના સામાન્ય મનદુઃખ અંગેનો ખાર રાખી આ જ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા લાલાભા આલાભા માણેક નામના આશરે 36 વર્ષના યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવવાના બનાવમાં મીઠાપુર પોલીસે મૃતકના મોટાભાઈ દેવુભા આલાભા માણેકની ફરિયાદ ઉપરથી દ્વારકા પંથકના જ સુરજકરાડીના રહીશ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતીયા, હમુસર ગામના રહીશ ભુપતભા આધાભા માણેક અને ગોરીંજા ગામના રહીશ વિજય કારૂભા સુમણીયા નામના ત્રણ શખ્સો સામે કલમ 302 વિગેરે મુજબ ગુનો નોંધી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલ.સી.બી. પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત આરોપીની આખી રાત સધન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતીયા અને વિજય કારૂભા સુમણીયાને ગઈકાલે ગુરૂવારે સવારે ગોરીંજા ગામના ઝાડીઓમાંથી છુપાયેલા પોલીસે દબોચી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી ભુપતભા માણેકની પણ સધન શોધખોળ હાથ ધરી છે.