Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની એક માસુમ દીકરીનો તેની સાવકી માતા દ્વારા ગુજારવામાં આવતા સિતમનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ભારે આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે, અને ઘરમેળે સમાધાન થઇ ગયું હોવાની વાત આગળ ધરીને પોલીસ આ મામલે યેનકેન પ્રકારે ફરિયાદ લેવાની ફિરાકમાં નહોતી તેવું લાગી રહ્યું હતું, બાકી જો ફરિયાદ લેવી જ હોત તો બાળકીનું ખુદ સ્ટેટમેન્ટ ફરિયાદ માટે કાફી હતું, એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાની ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી આ મામલે આગળ આવ્યા છે અને તેવોએ આ મામલે સગીર દીકરીના શરીરે ડામ આપી ઝુલમ ગુજારનાર સાવકી મા સામે પોતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરાવી છે,
જેમાં I.P.C. કલમ.323,506(2) તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ 2015 ની કલમ.75 મુજબ આ કામે ભોગ બનનાર બાળકી વાળીએ તેમના ઘરે આ કામના આરોપી અને તેમની સાવકી માતા રાજુલાબેન અશોકભાઈ ભોગાયતાને જાણ કર્યા વગર તેમના ઘરમાં રહેલ લાડવો તથા પુરી ખાઇ લિધેલ જે રાજુલાબેનને પસંદ નહી આવતા તેઓએ આ બાળકીને શરીરે માર મારી મોઢા વડે જમણી બાજુના ખંભા પર બટકા ભરી તથા જમણા પગના તળીયાના ભાગે ગરમ તવેથા વડે ડામ આપી ઇજાઓ કરી તથા બાળકીનુ ગળુ દબાવી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
-આવો હતો મામલો
વાત કઈક એવી છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામા રહેતા એક પરિવારની બાળકી પર બહારના કોઈ નહિ પરંતુ ઘરમાં રહેલી તેની જ સાવકી માતા દ્વારા ઝુલમ ગુજારવામાં આવી રહ્યો છે, બાળકીને તેની સાવકી માતા ગરમ કરેલા તાવિયાથી ડામ દેતી હોય, ગળામાં ફાંસો નાખી પજવતી હોય અને બટકા ભરવા જમવાનું ન દેવા વગેરે હરકતો કરતી હોવાની વાત આ બાળકી ખુદ પોતે વાઈરલ વિડીયોમાં કરી રહી છે, આ વિડીઓ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે, અને ખુદ બાળકી વિડીયોમાં કહી રહી છે કે તેનું ગળું દબાવવામાં આવ્યું છે.
-પોલીસે ઢાંકપીછાડો કરવાના પ્રયાસો કર્યા પણ…
આ મામલે ખંભાળિયા પોલીસે ઘરમેળે થયેલ સમાધાન બાળકીની સુરક્ષાને લઈને ગ્રાહ રાખવાને બદલે ફરિયાદ લેવી જોઈએ પણ યેનકેન પ્રકારે મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરે તે માટે ફરિયાદ ના લીધી કે થવા ના દીધી તેવી ચર્ચાઓ ખંભાળિયામાં ચાલી રહી છે, પરંતુ ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન આગળ આવ્યા અને તેવોએ નોંધાવેલ ફરિયાદ પ્રશંશાને પાત્ર છે, જયારે આ મામલે સ્થાનીકોમાં ચાલી રહેલ ચર્ચાઓ મુજ્બ પોલીસની ભૂમિકા ઢાંકપિછાડાની રહી જે સાચું હોય તો આવા મામલામાં શરમજનક કહી શકાય તેવી છે.